પોલીસ દ્વારા રૂ.૩.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરાઈ
ભુજની જથ્થાબંધ બજારમાં દુકાન ધરાવતા ઘીના વેપારીના ગોડાઉનમાંથી તસ્કરોએ રૂ.૬૫ હજારની કિંમતના ૨૨ ડબ્બા ઘીની ચોરી કરી હતી, જે અંગે વેપારીએ ભુજ શહેર બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા
4 આરોપીઓ, ચોરાઉ મુદ્દામાલ તેમજ ટેમ્પો મળી કુલ રૂ.૩.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામને પકડી પાડીને ભુજ બી ડીવીજન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સુપ્રત કર્યા હતા.
રવિવારની રજાના દિવસે ગોડાઉનમાંથી ઘી ના બોક્સ ચોરાયા હતા
ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા ધિમંતભાઈ પરસોત્તમભાઈ ચંદે (ઠક્કર)ની આત્મારામ સર્કલ પાસે આવેલ જથ્થાબંધ માર્કેટમાં ગણેશ ટ્રેડર્સ નામની દુકાન પર ઘીનો વેપાર કરી રહ્યા છે. અને માલ સમાન રાખવા માટે કોમર્શિયલ બેન્કની પાછળ ગોડાઉન ધરાવે છે. ગોડાઉનમાં રવિવારે રજાના દિવસે સંગ્રહ કરેલા ઘીના જથ્થામાંથી રૂ.૬૫ હજારની કિંમતના ઘીના ૨૨ બોક્સની ચોરી થઈ હતી તેથી તેમણે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એલસીબીએ ઘીના બોક્ષની ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી
લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એચ.આર.જેઠી તથા પીએસઆઈ જે.બી.જાદવ અને ટીમે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બાતમીના આધારે પોલીસે માધાપર જૂનાવાસમાં સનરાઈઝ સિટીમાં રહેતા યશ કનુભાઈ ઠક્કર, ભઠારા ફળિયા, મટન માર્કેટવાળો રજાક ઉર્ફે પલ્લુ ગની ઓઢેજા, સુરલભિટ્ટ રોડની મહેંદી કોલોનીવાળો સાહિલ જુસબ કચ્ચા અને લખુરાઈ ચાર રસ્તાવાળો ફારૂક રમઝાન કુંભાર નામના શખસોને ઝડપી લીધા હતા.
પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં આરોપીઓએ ચોરીનો ગુનો કબૂલ્યો
પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા રવિવારે જથ્થાબંધ માર્કેટ બંધ હોવાથી યશ કનુભાઈ ઠક્કરે ગોડાઉનની ચાવી પોતાની પાસે છે તેમ જણાવી અન્ય ત્રણના સહયોગથી ટેમ્પામાં ગોડાઉનમાંથી ૨૨ ડબ્બા ઘીની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આથી એલસીબીએ ભુજ શહેર બી ડિવિઝનમાં ખરાઈ કરતાં ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આથી પોલીસે ચારેયની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.૬પ હજારની કિંમતનો ઘીનો જથ્થો તેમજ રૂ.૩ લાખનો ટેમ્પો કબજે કર્યો હતો.