નકલી માખણ બાદ નકલી કોસ્મેટિકનો ધંધો ખુલ્યો — પુણા પોલીસની ધડાકેબાજ કાર્યવાહી
સુરત શહેરમાં નકલી ચીજવસ્તુઓનો ધંધો દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. તાજેતરમાં નકલી માખણનો કેસ સામે આવ્યા બાદ હવે નકલી કોસ્મેટિકના કૌભાંડનો ભંડાફોડ થયો છે. એલસિબી (LCB) ઝોન-1 અને પુણા પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, પુણા વિસ્તારમાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં સ્થિત ગોડાઉનમાં પોલીસે દરોડો પાડી મોટા પ્રમાણમાં નકલી કોસ્મેટિક સામગ્રી અને બનાવટ માટે વપરાતા કાચામાલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ગોડાઉનમાં જાણીતી બ્રાન્ડની કોસ્મેટિક પ્રોડક્ટ્સના નકલી વર્ઝન તૈયાર કરવામાં આવતાં હતા.
પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેડ કંપનીઓના નકલી સ્ટીકર, કોમ્પ્યુટર, સ્ટીકર પ્રિન્ટિંગ મશીન અને તૈયાર થયેલા કોસ્મેટિક પ્રોડક્ટ્સનો મુદ્દામાલ મળી કુલ રૂ. 12 લાખથી વધુની મત્તાનો જથ્થો જપ્ત કર્યો છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં મુખ્યત્વે જાણીતી બ્રાન્ડના લેબલ અને પેકિંગ સામગ્રીનો સમાવેશ થાય છે. આરોપીઓ ઈ-કોમર્સ વેબસાઇટ દ્વારા ઓનલાઈન નકલી કોસ્મેટિક વેચાણ કરતા હતા, જેની માહિતી મળતા જ પોલીસે જાળ બિછાવીને કાર્યવાહી હાથ ધરી હતી.
આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ તરીકે
બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ
નિરલ બાબુભાઈ ચૌહાણ
સિધાર્થ બાબુભાઈ ચૌહાણ
ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ નકલી કોસ્મેટિકનો પુરવઠો અન્ય કયા શહેરોમાં કે ઑનલાઇન પ્લેટફોર્મ્સ મારફતે થતો હતો અને અન્ય કોઇ નેટવર્ક તેમાં સંડોવાયેલું છે કે નહીં.