મુન્દ્રાની શ્રમિક કોલોનીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ૬ લોકો ગંભીર રીતે દાઝ્યા
મુન્દ્રાના રાસાપીર સર્કલ પાસે આવેલી રસિદ તુર્કની શ્રમિક કોલોનીમાં રહેતા પરિવારની ઓરડીમાં આખી રાત એલપીજી સિલીન્ડરમાંથી ગેસ લિક થતો રહ્યો હતો. જેના પરિણામે બંધ ઓરડીમાં ગેસ ભરાઇ ગયો હતો. સવારે જ્યારે સ્ટવ સળગાવવા જતાં જ જોરદાર ધડાકો થયો હતો જેમાં ૬ પરપ્રાંતિય શ્રમિકો દાઝી ગયા હતા.
બ્લાાસ્ટના પગલે ગંભીર રીતે દાઝેલાને પ્રથમ મુન્દ્રા અને બાદમાં ભુજ ખસેડાયા
વહેલી સવારે ૭ઃ૩૦ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો.જેમાં ગેસનો બાટલો ફાટતાં મુન્દ્રામાં રહેતા સુજીત રોય,મનિક કરમકર,જયંતો કરમકર, હરિ રોય તથા અતુ મોંડલ તથા અન્ય મળીને કુલ ૬ લોકો આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને પ્રથમ મુન્દ્રાની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઇમરજન્સી વિભાગમાં તાબડતોબ સારવાર આપવાની શરૂ કરવામાં આવી હતી.
બનાવ કેવી રીતે બન્યો તે અંગે મુન્દ્રા પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ
આ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.જે.ઠુમ્મરે જણાવ્યું હતું કે, મુન્દ્રાના રાસાપીર સર્કલ પાસે ગેસનો બાટલો ફાટ્યાની ઘટના બની છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે ત્યારે બનાવ કેવી રીતે અને કયા સંજોગોમાં બન્યો તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.