હિલ સ્ટેશન સાપુતારા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’નો શુભારંભ કરાવશે, 23 દિવસ સુધી ચાલશે આ ફેસ્ટિવલ
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી કચ્છ રણોત્સવ,નવરાત્રી મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જેવા વિવિધ ઉત્સવોની પરંપરા હવે આગળ વધીને દરેક શહેર-પ્રદેશ સુધી પહોંચી છે જેના પરિણામે ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવી વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થઈ છે. આ પરંપરાને આગળ વધારવા દર વર્ષેની જેમ આ વર્ષે પણ હિલ સ્ટેશન, સાપુતારા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨૬ જુલાઈના રોજ સવારે ૦૯ કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ -૨૦૨૫’નો શુભારંભ કરાવશે. જેમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ સહિત અન્ય ગણમાન્ય અતિથિઓ ખાસ ઉપસ્થિત રહેશે.
આગામી તા.૨૬ જુલાઇથી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ એમ કુલ ૨૩ દિવસ સુધી યોજાનાર આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે સવારે ૯.૦૦ કલાકે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા ભવ્ય ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે. જેમાં મહારાષ્ટ્રથી લાવણી લોકનૃત્ય & ધણગારી ગજા, પંજાબથી ભાંગડા રાજસ્થાનથી કલબેલિયા લોકનૃત્ય,પશ્ચિમ બંગાળથી છાઉ નૃત્ય, આસામથી બિહૂ નૃત્ય, મધ્ય પ્રદેશથી બધાઈ લોકનૃત્ય, તેલંગાણાથી ગુસસાડી નૃત્ય, કર્ણાટકથી પૂજાકુનિથા, હિમાચલ પ્રદેશથી નાટી, હરિયાણાથી ધમાલ નૃત્ય, ગુજરાતથી ડાંગી લોકનૃત્ય, છત્રી હુડો, રાઠવા નૃત્ય, સિદી ધમાલ, તલવાર રાસ, ડોબરૂ-કિર્ચા, ગરબા, બાવન બેડા, ડાંગી-કહાદિયા નૃત્ય, મેવાસી નૃત્ય તથા જુદા જુદા ફોક કાર્નિવલના પ્રોપ્સ & પ્રોપર્ટીસ જેવા કે લોક મેળો મોટા કાવડી, જમ્પિંગ કાવડી, બિગ પપેટ્સ, લદ્દાખ માસ્ક, સ્નો લાયન (લેહ), વિંગ્સ, ફેસ માસ્ક જેવા પરંપરાગત અને આકર્ષક પ્રોપ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. જેની સાથે સાથે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા “ઓપરેશન સિંદૂર” વિશેની જાણકારી આપતા ટેબ્લોનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
રંગારંગ ઉદ્ઘાટન-સ્ટેજ કાર્યક્રમમાં ગુજરાત, તમિલનાડુ, કેરલ, મણીપુર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક, અને હરિયાણાના કુલ ૮૭ કલાકારો દ્વારા ડાંગી, બેડા ગરબા, હોલી ડાન્સ, મણિયારો, યશગાના, પુંગ, રૌફ, ટિપ્પણી, ભરતનાટ્યમ, મોહોનીઅટ્ટમ, નાટી, કથ્થકલી, મણિપુરી રાસ, લાંગા, કલબેલિયા, ડોલુકુનીથા, ધાન્ગ્રી, ભાંગડા,ઘૂમ્મર, મયુર, છાઉ ડાન્સ, બિહુ અને કથ્થક જેવા નૃત્યો રજૂ કરવામાં આવશે.
વધુમાં કુલ ૨૩ દિવસ ચાલનારા સમગ્ર ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણોમાં દર સપ્તાહના અંતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અલગ અલગ સાપ્તાહિક કાર્યક્રમો જોઈએ તો પ્રથમ સપ્તાહને ‘ટ્રાઈબલ હેરિટેજ’ વીક તરીકે પ્રસ્થાપિત કરી ઈવેન્ટ સ્થળ આસપાસ આર્ટ એન્ડ ક્રાફ્ટ, આદિવાસી વાનગીઓનો રસથાળ, સેલ્ફી ઝોન તેમજ આદિવાસી બંધુઓના વિવિધ હુન્નરને પ્રદર્શિત કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવશે.
આ સાથે અન્ય સાપ્તાહિક કાર્યક્રમોમાં ગીતા રબારી, પાર્થ ઓઝા, રાગ મહેતા જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારો પોતાના કંઠથી સમગ્ર ફેસ્ટિવલને દિપાવશે તો સાથે જ આ પ્રસંગે ખાસ કેરળથી ‘થેકકિનકાડુ અટ્ટમ મ્યૂઝિકલ બેન્ડ’ને પણ આમંત્રણ અપાયું છે. જે તા.૨૭ જુલાઈ રવિવારના દિવસે પ્રસ્તુતિ કરશે. ઉપરાંત ગુજરાતના ઉભરતા કલાકારો અને કોલેજ બેન્ડને પણ અહીંયા પરફોર્મ કરવા માટેનું સ્ટેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ વિવિધ પ્રદેશના અનેક ખ્યાતનામ કલાકારો અહીં પોતાની કલા- નૃત્ય રજૂ કરશે. અન્ય સાપ્તાહિક આયોજનોમાં ૧૫ ઑગસ્ટ દિવસે મિનિ મેરેથોન, કોઇ એક રવિવારે સન્ડે ઓન સાઇકલ, જન્માષ્ટમીના દિવસે દહીં હાંડી જેવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ ફેસ્ટિવલના અન્ય એક મુખ્ય આકર્ષણ જોઈએ તો ૨૩ દિવસ દરમિયાન રેઇન ડાન્સ, ફોરેસ્ટ ટ્રેલ, અલગ અલગ સેલ્ફી ઝોન, થીમ પેવેલિયન ઈવેન્ટ સ્થળ ખાતે વિવિધ પારંપરિક રમતોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સાપુતારાના અલગ અલગ વિસ્તારોમાં એક ભવ્ય ટેબ્લો ભ્રમણ કરશે. જે નાગરિકોને વિવિધ મનોરંજક પ્રવૃતિઓ કરાવશે અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે.
રાજ્યના વિવિધ ઉત્સવની પરંપરા એટલે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ’. વિવિધ પ્રાંતમાંથી પધારતા પ્રવાસીઓ વરસાદી ઋતુમાં પ્રકૃતિના સાનિધ્યમાં આદિવાસી સંસ્કૃતિ,પરંપરા અને ખાનપાનના સ્વાદ સાથે આનંદ માણી શકે સાથેસાથે સ્થાનિક સ્તરે નવીન રોજગારીનું પણ સર્જન થાય તેવા ઉમદા હેતુ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભવ્ય મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સહભાગી થવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની વિવિધ એક્ટિવિટી અને રજીસ્ટ્રેશન સહિતની માહિતી નીચેનો QR કોડ સ્કેન કરવાથી મળી રહેશે.