સરકાર પાસેથી અથવા અન્ય કોઈ મહત્ત્વની માહિતી મેળવવા માટે નાગરિકો માહિતી અધિકારના કાયદા (RTI)નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ, કેટલાક કિસ્સામાં નાગરિકો દ્વારા કરવામાં આવેલી આરટીઆઈનો જવાબ સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવતો નથી. ત્યારે હવે એવા અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવ્યા છે અને છેલ્લા બે વર્ષમાં નાગરિકો દ્વારા કરવામાં આવેલી આરટીઆઈનો જવાબ નહીં આપનાર એવા કુલ 99 અધિકારીઓને રૂ.2 હજારથી રૂ.25 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે દંડ પેટે કુલ રૂ.8.90 લાખ અધિકારીઓ પાસેથી વસૂલવામાં આવ્યા છે.
334 અરજીઓનો નિકાલ હાલ પણ બાકી
જણાવી દઈએ કે, કોઈ પણ સરકારી માહિતી મેળવવા માટેની અપીલ માહિતી આયોગને અને સરકારના વિવિધ વિભાગ તેમ જ જાહેર સત્તામંડળને અરજી કરીને મેળવી શકાય છે. વર્ષ 2020-21માં નાગરિકો દ્વારા માહિતી મેળવવા માટે કુલ 6,830 અપીલ અને ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2021-22 દરમિયાન ગુજરાત માહિતી આયોગને 936 ફરિયાદ અને 6,833 અપીલ સાથે કુલ 7,769 અરજી મળી હતી. આ અરજીઓ પૈકી 7,435 અપીલ અને ફરિયાદનો જવાબ અપાયો છે અને 334 અરજીઓનો નિકાલ હાલ પણ બાકી છે.
સૌથી વધુ 52 તલાટીઓ પાસેથી દંડ વસૂલાયો
વિવિધ સરકારી વિભાગ સંબંધી અરજીઓ અંગે વાત કરીએ તો સૌથી વધુ ગૃહ વિભાગની 32,723 અરજી, પછી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની 28,791 અને મહેસૂલ વિભાગ સંબંધી કુલ 9,120 અરજી મળી છે. જોકે, આરટીઆઈના અધિકાર હેઠળ વિવિધ સરકારી વિભાગોને કરવામાં આવેલી અરજીઓના જવાબ નહીં આપવાનો દર લગભગ 4.16 ટકા જેટલો છે. માહિતી મુજબ, સૌથી વધુ ગ્રામ કક્ષાએ ફરજ બતાવતા તલાટીઓ દ્વારા માહિતી આપવામાં ઉદાસીન વલણ અપનાવવામાં આવે છે. આ હેઠળ 99 સરકારી-અર્ધસરકારી કર્મચારીઓમાં સૌથી વધુ 52 તલાટીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. આ સિવાય તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, વહીવટી અધિકારી, ચીફ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.