શિક્ષણ અને સંસ્કાર સાથે અવનવી પ્રવૃત્તિઓમાં આગળ એવી પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સંગીત તેમજ ભરતનાટ્યમના પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો. જીવનમાં નૃત્ય અને સંગીતનું મહત્વ ખૂબ રહેલું છે અને તેનાથી જીવન ધબકતું રહે છે. આ સંદર્ભે પોરબંદરની અવનવા વિચારો અને અવનવી પ્રવૃત્તિઓ સાથે ધમધમતી એવી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રાચાર્ય શ્રી ડૉ. અનુપમભાઈ નાગરના માર્ગદર્શન અને કોલેજના ઉપાચાર્યા, ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા તેમજ હોમ સાયન્સ વિભાગના વડા પ્રો. રોહીણીબા જાડેજાની પ્રેરણાથી છેલ્લા ઘણા વર્ષોથી સંગીત તેમજ ભરતનાટયમના વર્ગો ચલાવાય છે. જેમાં ઉત્તિર્ણ થયેલી વિદ્યાર્થીનીબહેનોને પ્રમાણપત્રથી નવાજવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે પણ ગીત સંગીત નૃત્ય ધારાના સભ્ય કુ. અમીબેન પઢિયાર દ્વારા ચલાવવામાં આવતા સંગીત તેમજ અખિલ ભારતીય મહાવિદ્યાલય દ્વારા ચલાવાતા ભરતનાટ્યમના વર્ગો શરૂ કરવામાં આવેલા. જેમાં વર્ષાંતે કોલેજના ઉપાચાર્યા, ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા તેમજ હોમ સાયન્સ વિભાગના વડા પ્રો. રોહીણીબા જાડેજા દ્વારા પરીક્ષા લેવામાં આવેલી હતી, ત્યારે ઉત્તીર્ણ થયેલી વિદ્યાર્થીનીઓને ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા પ્રો. રોહિણી બા જાડેજા તેમજ સભ્યશ્રીઓ ડો. કેતકીબેન પંડ્યા, ડો. શાંતિબેન મોઢવાડીયા, કુ. અદિતીબેન દવે અને કુ. અમીબેન પઢિયાર દ્વારા પ્રમાણપત્ર આપી બિરદાવાયેલી. કાર્યક્રમનું સંચાલન કુ. અમીબેન પઢિયારે કરેલું.
