ભાવનગરમાં પેપરલીક મામલે એક મોટા સમાચાર આવ્યા છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સનસનીખેજ આરોપ લગાવતા જણાવ્યું કે, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલના મોબાઇલથી પેપર વાયરલ કરવામાં આવ્યું હતું. યુવા નેતા યુવરાજસિંહ જાડેજા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી પર પેપર લીક કર્યા હોવાના આક્ષેપ લગાવ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, યુવરાજ સિંહે જાડેજાએ આરોપ લગાવતા કહ્યું કે, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે તેમની સામે સ્વીકાર્યું હતું કે, તેમના મોબાઇલમાંથી પેપર લીક થયું છે. જો કે, ઇન્ચાર્જ પ્રિન્સિપાલે એમ પણ દાવો કર્યો હતો કે, કોઈ વિદ્યાર્થીએ તેમના મોબાઇલ ફોનમાંથી ફોટો પાડી પેપર વાયરલ કર્યું હતું. યુવરાજ સિંહે એવું પણ જણાવ્યું કે, પેપર વાયરલ કરવા મામલે જેટલા પણ વિદ્યાર્થીઓ સંકળાયેલા છે તેમની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ પેપર લીકનો મામલો સામે આવતા યુનિવર્સિટીના કુલપતિએ સમગ્ર મામલે એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં 3 સભ્યો આ સમગ્ર મામલે તપાસ કરશે. સાથે જ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરશે.
https://twitter.com/YAJadeja/status/1643116381813215232
યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું હતું ટ્વિટ
જણાવી દઈએ કે, યુવા નેતા યુવરાજ સિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર એક પોસ્ટ કરીને પેપર લીકનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં શનિવારે બી.કોમ સેમેસ્ટર-6નું એકાઉન્ટ વિષયનું પેપર હતું. આ પરીક્ષા માટેનો સમય બપોરે 3:30થી 6 કલાકનો હતો. પરંતુ, પરીક્ષા શરૂ થતા પહેલાં બપોરે 3:12 મિનિટે આ પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. આ ટ્વીટમાં યુવરાજસિંહે કેટલાક ફોટો પણ શેર કર્યા હતો.
તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવાઈ
આ માહિતી બાદ, યુનિવર્સિટી તંત્ર દોડતું થયું હતું. માહિતી મુજબ, મા મામલે યુનિવર્સિટીએ તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. જે સમગ્ર તપાસ હાથ ધરશે. મીડિયા અહેવાલ મુજબ, આ અંગે યુવરાજસિંહએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં જે પેપર વાઇરલ થયું હતું અને જે વાસ્તવિક પરીક્ષામાં પેપર પૂછાયું છે તે બંનેને ચેક કરતા કહી શકાય કે પેપર લીક થયું છે, આ અંગે મુખ્યમંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય સુધી આ વાત પહોંચાડી છે.