માલપુર જાયન્ટસ ગ્રુપ એક સેવાભાવી સંસ્થા છે.માલપુર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવે છે. ત્યારે આજે ગત ટર્મના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં નવી કમિટી માટે શપથવિધિ અને પદ ગ્રહણ કાર્યક્રમ એમડી પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો. માલપુર જાયન્ટ્સના પ્રમુખ તરીકે મહેશ પટેલ તેમજ સહિયાર જાયન્ટ્સ પ્રમુખ તરીકે હેમાબેન શર્માની નિમણૂક કરવામાં આવી હતી. તેમની ટીમને શપથવિધિ અધિકારી પ્રવીણ પરમાર દ્વારા શપથ લેવડાવ્યામાં હતા. બાકીની બંને પાંખના અન્ય હોદ્દેદારોને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ વિઠ્ઠલ પટેલ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમમાં લકુલીશ આશ્રમ કાયાવરોહણના મહંત આદરણીય પ્રીતમ મુનિજી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. તેમની સાથે અરવલ્લી લકુલીશ આશ્રમના પ્રમુખ વિનોદ પંડ્યાએ કાર્યક્રમનું શુભેચ્છા પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ તરીકે માલપુર મામલતદાર ડૉ.દિનતા કથેરિયા, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1ના વાઈસ ચેરમેન નિલેશ જોશી, માલપુર પીએસઆઇ, અલગ અલગ ગામમાંથી આવેલા સામાજીક અગ્રણી હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માલપુર જાયન્ટ્સના નવા વરાયેલ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે, અમે અને અમારી ટીમ ચાલુ વર્ષે અલગ અલગ પ્રોજેકટ દ્વારા જનતા ઉપયોગી સેવા કાર્ય કરીશું. ત્યારે મહેશ પટેલે ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો.