મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ખાલી કરવા માટે ડેમ તંત્રએ સરકાર પાસે સૈદ્ધાંતિક મંજુરીની માંગણી કરી છે અને મંજુરી મળી જાય તો એપ્રિલ માસમાં ડેમ ખાલી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે સૌના આશ્ચર્ય વચ્ચે ડેમ ખાલી કરવાની હિલચાલ છતાં નર્મદા કેનાલમાંથી પાણી મેળવવાનું હજુ ચાલુ છે તો બીજી તરફ મચ્છુ ૨ ડેમ સૌની યોજનાનો સૌરાષ્ટ્રનો મધર ડેમ છે, પરંતુ સૌની યોજનામાંથી પાણીનો ઉપાડ થતો નથી. જેથી પાણીનું સ્તર વધી જતા ડેમ વિસ્તારમાં આવતા પાંચ ગામોના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.
સરકારી તંત્રના સંકલનના અભાવને કારણે નુકશાની ખેડૂતોને ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે મચ્છુ ૨ ડેમના વધતા જળ સ્તરથી ખેડૂતોને કેવી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આવો જોઈએ વિશેષ અહેવાલમાં.
મચ્છુ ૨ ડેમમાં નર્મદા કેનાલ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ ચાલુ છે અને ડેમના જળ સ્તરમાં વધારો થતા પાણી ડેમ વિસ્તારમાં આવતા મકનસર, બંધુનગર, અદેપર, જોધપર અને નવાગામ એમ પાંચ ગામોના ખેડૂતોના હજારો વીઘા જમીનના વાવેતર પર જોખમ મંડરાઈ રહ્યું છે.
પાણીનો પ્રવાહ વધતા આસપાસના ખેતરોમાં પાણી
આ અંગે મકનસર ગામના ખેડૂત હિતેશભાઈ જણાવે છે કે નર્મદા કેનાલ ચાલુ છે અને પાણી આવે છે જેથી પાણીનો પ્રવાહ વધતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે છે અને ખેડૂતોને નુકશાનીનો ભય સતાવી રહ્યો છે હજારો વીઘા જમીનમાં તલનું વાવેતર કરાયું છે અને ડેમના પાણીને કારણે ખેડૂતોને કરોડોની નુકશાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ૧૫ એપ્રિલ સુધીમાં ડેમ ખાલી કરવાનો છે તો હાલ ડેમ ભરવાનો કોઈ અર્થ નથી પરંતુ છતાં પાણીની આવક ચાલુ છે.
૨૦ વીઘામાં પાણી ફરી વળ્યું
નવાગામમાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ જણાવે છે કે તેને ૪૦ વીઘા જમીન હોય જેમાં ૨૦ વીઘામાં તલનું વાવેતર કર્યું છે જે ૨૦ વીઘામાં પાણી ફરી વળ્યું છે પ્રવીણભાઈએ એક વીઘે ૧૦ થી ૧૨ હજાર રૂપિયાના ખર્ચે વાવેતર કર્યું છે જોકે તમામ વાવેતર નિષ્ફળ જાય તેવું લાગી રહ્યું હોવાનું નિસાસો નાખી જણાવ્યું હતું તો નવાગામમાં રહેતા અન્ય ખેડૂત હસમુખભાઈ ફેફરે પણ સરકારની નીતિ રીતી સામે સવાલૂ ઉઠાવ્યા હતા અને ડેમના પાણીથી ખેડૂતોના તલના પાકને નુકશાન જતું હોવાની નારાજગી દર્શાવી હતી
અધિકારીઓ વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ
આમ નર્મદા નિગમ, સિંચાઈ વિભાગ અને સૌની યોજનાના અધિકારીઓ વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે જે સંકલનના અભાવને કારણે ડેમ ખાલી કરવાનો હોવા છતાં પાણીની આવક ચાલુ છે અને ડેમ ભરવામાં આવી રહ્યો છે અને અધિકારીઓની બેદરકારીની કીંમત ખેડૂતોએ ચૂકવવી પડતી હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે ખેડૂતોના હજારો વીઘામાં ઉભા તલના પાકને નુકશાની જઈ રહી છે છતાં સરકારી બાબુઓના પેટનું પાણી પણ હલતું નથી જેથી ખેડૂતોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે.