કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય, બાળકનો જન્મ હોય, કે પછી નવું ઘર કે નવો વ્યવસાય શરૂ કર્યો હોય ત્યારે કિન્નરો આવે અને તાપા માંગે, પરંતુ હવે જો તમારા ઘરનો દરવાજો કોઈ કિન્નર ખખડાવે તો તમને નવાઈ લાગશે કારણ કે તેઓ કંઈ માંગવા નહીં પણ કંઈક આપવા માટે નીકળ્યા છે. કારણ કે, સુરતના એક કિન્નર સમુદાયે અબોલ અને મૂંગા પશુ પક્ષીઓ માટે એક અનોખી સેવા શરૂ કરી છે.
શુભ પ્રસંગો અને ખુશીઓના અવસર પર લોકોના ઘરે જઈ તાળીઓ પાળી શુભકામનાઓ આપવાની અને તેના થકીજ જીવન નિર્વાહ કરતા કિન્નર સમાજ સામાજિક કાર્યો પ્રત્યે પણ જાગૃત છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં કિન્નર દ્વારા શરૂ કરવામાં આવેલી અનોખી મુહિમ પરથી સુરતમાં જોવા મળ્યું છે.
સેવા ભાવ સાથે કિન્નરોનો સમૂહ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને લોકોના ઘરે ઘરે જઈ તેઓ પૈસા નથી માંગી રહ્યા પરંતુ લોકોને પક્ષીઓને પાણી પીવડાવવા માટે વિશેષ કુંડાઓનું વિતરણ કરી રહ્યા છે અને માટીથી બનેલા કુંડાનું વિતરણ કરી કિન્નરો લોકોમા અબોલ પશુઓ માટે સેવા ભાવ જગાડવાનું કાર્ય કરી રહ્યા છે.
પાણીમાં ભરીને ટેરેસ પર મૂકવા માટે લોકોને વિનંતી કરી
નવોદય ટ્રસ્ટ થકી વિધવા, બાળકો અને જીવ દયાને લગતા સામાજિક કાર્યો કરતા નુરી કુંવર જણાવે છે કે, હાલ ગરમી વધી રહી છે અને માણસો તો આ ગરમીમાં ઘરમાં રહી પંખો અને એસી ચલાવી ગરમીથી રાહત મેળવી લે છે. પરંતુ આ મૂંગા અને અબોલ પશુઓનું શું? જેથી અમે એબોલ જીવો માટે પણ ગરમીથી રાહત મળે તે માટે માટીના કુંડા ઘરે ઘરે જઈ વિતરણ કરવાનું નક્કી કર્યું. લોકોને પણ વિનંતી કરી કે તેઓ આ માટીના કુંડામાં પાણી ભરી ટેરેસ અથવા તો ઘરની બહાર રાખે જેથી કરીને અબોલ પશુ પક્ષી તેમાંથી પાણી પી શકે.
અન્ય લોકોને પણ આ પ્રકારની સેવા કરવા માટેનો સંદેશો આપ્યો
માટીના કૂંડાઓનું વિતરણ કરતા કિન્નરોનું માનવું છે કે, સમાજને કંઈક આપી શકીએ તેવી ભાવના સાથે તેઓએ આ અનોખી પહેલ શરૂ કરી છે અને લોકોને પણ આ પ્રકારની સેવા કરવા માટેનો સંદેશો આપ્યો છે. ખાસ કરીને ઉનાળાની શરુઆત થઈ ચૂકી છે ત્યારે પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટે કૂંડા ખૂબ જરૂરી છે. અન્ય લોકોની સાથે સાથે હવે સુરતના કિન્નરો દ્વારા પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી અનોખી પહેલ તેમણે શરુ કરી છે.