દિવાળીમાં ભેળસેળવાળી મીઠાઈ ખાઈને સ્વાસ્થ્ય ન બગાડવું હોય તો આટલું જાણી લો
દિવાળી પર અવારનવાર લોકોના મનમાં આ સવાલ રહે છે કે જે મીઠાઈ તેઓ ખરીદી રહ્યા છે, ક્યાંક તેમાં ભેળસેળ તો નથી ને? આ માટે તમે કેટલીક રીતોનો ઉપયોગ કરી શકો છો.
દિવાળીના તહેવારને ખુશીઓ અને રોશનીનો તહેવાર માનવામાં આવે છે. આ માટે લોકો પોતાના ઘરને સુંદરતાથી સજાવે છે અને સાફ-સફાઈ કરે છે. આ ખાસ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે અને સ્વજનોના ઘેર મીઠાઈ કે ભેટ વહેંચવામાં આવે છે, પરંતુ આ જ મીઠાઈ તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. તહેવારોના સમયે જ મીઠાઈમાં સૌથી વધુ ભેળસેળ કરવામાં આવે છે અને આ ઝેર ભૂલથી તમારા ઘર સુધી પણ પહોંચી શકે છે. આવો જાણીએ કે તમે કેવી રીતે નકલી ઝેરી મીઠાઈની ઓળખ કરી શકો છો અને આ ખતરાથી કેવી રીતે બચી શકાય છે.
સૌથી પહેલા આ વસ્તુનું રાખો ધ્યાન
ઘણા લોકો સસ્તાના ચક્કરમાં શેરી-મહોલ્લામાં ખુલ્લી દુકાનમાંથી મીઠાઈ ખરીદી લે છે, પરંતુ આવું કરવું ખતરનાક હોઈ શકે છે. આ દુકાનોમાં સ્વચ્છતા (Hygiene) થી લઈને ભેળસેળનો ખતરો હોય છે. હંમેશા પ્રયાસ કરો કે કોઈ સારી કે સ્વચ્છ દુકાનમાંથી જ મીઠાઈ ખરીદો. જે દુકાન પર થોડો પણ શંકા હોય, ત્યાંથી મીઠાઈ બિલકુલ ન ખરીદો.
કેવી રીતે થાય છે ભેળસેળ?
પહેલા એ જાણી લઈએ કે મીઠાઈઓમાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે. ખરેખર, તહેવારો પર મીઠાઈની માંગને ધ્યાનમાં રાખીને તેમાં નકલી માવો, નકલી કેમિકલવાળા કલર, સિન્થેટીક ડેરી પ્રોડક્ટ અને પામ ઓઇલ જેવી વસ્તુઓ મિલાવવામાં આવે છે. આનાથી ઓછા ખર્ચે વધુ નફો કમાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ ભેળસેળથી તમે બીમાર પડી શકો છો અને તે કોઈ ઝેરથી ઓછું નથી.
નકલી અને અસલીની ઓળખ કેવી રીતે કરવી?
જો કોઈ મીઠાઈ વધારે રંગીન દેખાઈ રહી હોય, તો તેને લેવાનું ટાળો, કારણ કે તેમાં સિન્થેટીક કલરનો ઉપયોગ થઈ શકે છે.
સામાન્ય રીતે સુંઘવાથી પણ ખબર પડી જાય છે કે મીઠાઈમાં શું ઉપયોગ કરવામાં આવ્યું છે. જો તેને પામ ઓઇલ કે ડાલડામાં બનાવવામાં આવી હશે તો તેની ગંધ થોડી અલગ આવશે.
તમે હાથ પર રાખીને પણ તેનો ટેસ્ટ કરી શકો છો. મીઠાઈના એક ટુકડાને આંગળીઓથી મસળીને જુઓ, જો તેલ ખૂબ વધારે નીકળતું હોય તો સમજી જાઓ કે મીઠાઈ ઘીમાંથી નથી બની.
મીઠાઈને ટેસ્ટ કરીને પણ ચોક્કસ જોવી જોઈએ. જો તેમાં કોઈ પણ પ્રકારની ખટાશ આવી રહી હોય કે પછી તેનો સ્વાદ અલગ હોય તો તે નકલી હોઈ શકે છે.
ગરમ પાણીમાં નાખીને પણ તમે મીઠાઈનો ટેસ્ટ કરી શકો છો. જો આમ કરવાથી મીઠાઈનો રંગ નીકળે અથવા ફીણ નીકળે તો આ મીઠાઈ નકલી હોઈ શકે છે.