વિવિધ કંપનીઓએ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ પ્રાથમિક પસંદગી કરી
ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને ઘરઆંગણે નોકરીની તકો પૂરી પાડવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વેરાવળની સરકારી આઈ.ટી.આઈ. (ITI) ખાતે એક ભવ્ય ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ નોકરી આપનારી કંપનીઓ અને નોકરીની શોધમાં રહેલા ઉમેદવારોને એક જ પ્લેટફોર્મ પર ભેગા કરવાનો હતો. આ પ્રક્રિયા માટે જિલ્લાના ૧૭૮૦થી વધુ ઉમેદવારોને સોશિયલ મીડિયા અને ઈ-મેઈલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાંથી અનેક ઉત્સાહી યુવાનો ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા.
નામી કંપનીઓ દ્વારા ૭૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
ભરતી મેળામાં નાયરા એનર્જી (દેવભૂમિ દ્વારકા), બી.કે.ટી. ભુજ જેવી મોટી સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજર રહીને ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. કુલ ૮૯ ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત આપી હતી, જેમાંથી તેમની શૈક્ષણિક લાયકાત, આવડત અને અનુભવના આધારે ૭૫ રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. પસંદ થયેલા આ ઉમેદવારોને હવે પછીના બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. રાજકોટ અને કચ્છની કંપનીઓએ પણ આ મેળામાં જોડાઈને રોજગારીની તકો પૂરી પાડી હતી.
કેરિયર કાઉન્સેલિંગ અને ડિજિટલ પોર્ટલ અંગે વિશેષ માર્ગદર્શન
માત્ર ભરતી જ નહીં, પરંતુ ઉમેદવારોની કારકિર્દી ઘડવા માટે રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વારા વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડેલ કેરિયર સેન્ટર અને નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને તેનો લાભ કેવી રીતે લેવો તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ માર્ગદર્શનથી યુવાનોને ભવિષ્યમાં પોતાની પસંદગીના ક્ષેત્રમાં નોકરી મેળવવામાં સરળતા રહેશે.
