નવ પ્રસુતિ બાદ પણ માતા મધુબેનની દીકરી માટેની આશા અતૂટ
Godhra Rathva Family: ગોધરાના દારૂણિયા ગામનો એક અનોખો પરિવાર આજે ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે લોકો દીકરાની ઈચ્છા રાખે છે, પરંતુ આ પરિવારની ઈચ્છા દીકરીને લઈને છે. રાઠવા સમાજના એક શ્રમિક દંપતીને અત્યાર સુધી નવ દીકરાઓનો જન્મ થયો છે, છતાં તેઓએ દીકરી માટેની આશા છોડેલી નથી. તેમનું કહેવું છે કે, “જ્યાં સુધી ભગવાન અમને દીકરી નથી આપે, ત્યાં સુધી સંતાન પ્રાપ્તિ ચાલુ રાખીશું.”
દીકરી માટેની મમતા: “લક્ષ્મીનો અવતાર અમારી ઘરમાં ઉતરે”
મધુબેન રાઠવા જણાવે છે કે, તેમની તમામ નવ પ્રસુતિ ઘરે જ નોર્મલ રીતે થઈ છે. દરેક વખતની પ્રસુતિ દરમિયાન તેઓને આશા રહી કે હવે કદાચ દીકરી આવશે, પણ દર વખતે દીકરો જ થયો. મધુબેન કહે છે, “અમને હવે દીકરીની આશા છે. જો દીકરી આવશે, તો પછી સંતાન પ્રાપ્તિ બંધ કરીશું. દીકરી ઘરની લક્ષ્મી હોય છે, ભાઈઓને રાખડી બાંધે, અને માતા-પિતાના વૃદ્ધાવસ્થામાં સાથ આપે.” તેઓ આગળ કહે છે કે, સંતાનના ઉછેર અને અભ્યાસમાં ઘણી તકલીફો પડે છે, પરંતુ દીકરી માટેનો ઉત્સાહ હજી પણ જીવંત છે.

પિતા રામસિંહની લાગણીસભર વાત
નવ પુત્રોના પિતા રામસિંહ રાઠવા કહે છે, “દર વખતે દીકરીની આશા રાખી હતી, પણ ભગવાને નવ દીકરા આપ્યા છે. હવે પણ પ્રાર્થના છે કે એક દિવસ અમારી ઘરમાં દીકરી જન્મે.” રામસિંહ ખેતી અને મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ભાવુક થઈ કહ્યું, “અમારી પાસે ઘણું નથી, પરંતુ એક દીકરી મળે તો અમારું જીવન ધન્ય થઈ જશે.”
પુત્રોની લાગણી પણ દીકરી માટે જ
પરિવારનો મોટો પુત્ર સુનિલ, જે ધોરણ 12માં અભ્યાસ કરે છે, કહે છે કે, “હું મમ્મી-પપ્પાને ઘણી વાર કહું છું કે હવે પૂરતા ભાઈ થઈ ગયા, પરંતુ તેઓ કહે છે કે એક બહેન તો હોવી જ જોઈએ જે રાખડી બાંધે.” સુનિલ કહે છે કે, “અમારા પિતા કાળી મજૂરી કરીને પણ અમને ભણાવે છે. છતાં એમની દીકરી માટેની આશા અતૂટ છે.”

મુશ્કેલીભર્યું જીવન, છતાં આશા અડગ
દારૂણિયા ગામનો આ પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે. તેમના પાસે પાકું ઘર પણ નથી, છતાં પરિવારના દરેક સભ્યની ઈચ્છા એક જ — “અમારી ઘરમાં એક દીકરી અવતરે.”

