સતત મહેનત અને માર્ગદર્શનથી ગોંડલના ત્રણ વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય મેન્ટલ ગણિતમાં મેળવ્યુ માન
આજના સમયમાં જ્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગણિતને મુશ્કેલ માને છે, ત્યારે ગોંડલના કેટલાક ટાબરિયાઓ માટે આ વિષય અદ્દભુત રીતે સરળ બની ગયો છે. અબેકસના સતત અભ્યાસથી સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર જેવી ક્રિયાઓ તેમના માટે સેકન્ડોમાં પૂર્ણ થઈ જાય છે. ઘણા બાળકો 10 અંકના મોબાઈલ નંબરનો તરત જ સરવાળો કરી શકે છે અથવા ભારે આંકડાઓનો હિસાબ પણ એક મિનિટમાં કરી નાખે છે. આવી ઝડપનું રહસ્ય છે કડક તાલીમ અને નિયમિત પ્રેક્ટિસ.
ગોંડલના ત્રણ ટેલેન્ટને આંતરરાષ્ટ્રીય મંચ પર સન્માન
જ્યોર્જિયામાં 6 ડિસેમ્બરે યોજાયેલી UCMASની વિશ્વસ્તરીય મેન્ટલ ગણિત સ્પર્ધામાં ગોંડલના ત્રણ બાળકોએ વિશેષ પ્રદર્શન કર્યું છે. વિશ્વના 20થી વધુ દેશોના 1500થી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ડોબરીયા જિયાન પરાગભાઈએ A2 કેટેગરીમાં સેકન્ડ રનર અપ મેળવ્યો હતો. જ્યારે માવાણી તુલસી અતુલભાઈ અને ઉદેશી હેતાંશ સિદ્ધાર્થભાઈએ A1 કેટેગરીમાં સેકન્ડ રનર અપનો મુકામ મેળવ્યો છે. UCMAS ઈન્ડિયાના હેડ સ્નેહલ કારીયાએ તેમને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા.
ટ્રેનર રજનીશ રાજપરાનું માર્ગદર્શન અને મહેનતની વાત
બાળકોને તાલીમ આપનાર રજનીશ રાજપરાએ જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ છેલ્લા ચાર મહિનાથી રોજ 4 થી 6 કલાક અભ્યાસ કરી રહ્યા હતા. અબેકસની મદદથી તેમની ગતિ, એકાગ્રતા અને યાદશક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજપરા કહે છે કે કૌશલ્ય હંમેશા માર્ક્સ કરતાં વધુ અગત્યનું હોય છે અને બાળપણમાં મળેલા માર્ગદર્શનથી જ બાળકનું ભવિષ્ય રચાય છે. ગણિતને આ બાળકો હવે એક પડકાર નહીં પરંતુ મજાની રમત તરીકે લે છે.
મોબાઈલ યુગમાં અબેકસની શિક્ષણનું મહત્વ
આજના સમયમાં માતા-પિતાને બાળકોને મોબાઈલની લતથી દૂર રાખવા પડકારરૂપ બની ગયું છે. પરંતુ આવી તાલીમ બાળકોને સકારાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓની દિશામાં ધકેલી શકે છે. રજનીશ રાજપરાએ જણાવ્યું કે યોગ્ય માર્ગદર્શન મળે તો દરેક બાળકમાં છુપાયેલી ક્ષમતા બહાર આવી શકે છે. નવી શિક્ષણ નીતિ પણ કૌશલ્ય વિકાસ પર ભાર આપે છે અને અબેકસ તે દિશામાં ખૂબ મદદરૂપ બને છે.
સતત મહેનત અને ધ્યેયપ્રાપ્તિનું પ્રેરણાદાયક ઉદાહરણ
રજનીશ રાજપરાના શબ્દોમાં, “રાતોરાત કોઈ સિદ્ધિ મળતી નથી.” સતત પ્રેક્ટિસ, સમયસરનું માર્ગદર્શન અને આત્મવિશ્વાસ બાળકોને વિશ્વ સ્તરે લઈ જઈ શકે છે. ગોંડલના આ ત્રણ બાળકોનું સફળ પ્રદર્શન માતા-પિતા અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક છે કે ગણિત જેવા વિષયને પણ રસપ્રદ બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધિ મેળવી શકાય છે.

