GST કપાતની અપેક્ષાએ ગ્રાહકોએ ખરીદી ટાળી, કાર અને મોંઘી વસ્તુઓના વેચાણ પર અસર
તહેવારોની સિઝન ભારતમાં કાર અને મોંઘી વસ્તુઓ વેચવા માટે સૌથી મોટો અવસર માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે બજારમાં તણાવનું વાતાવરણ છે. ગ્રાહકો GSTમાં સંભવિત ઘટાડાની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે ખરીદી અટકી રહી છે. આ કારણથી ડીલર્સ અને કંપનીઓ બંનેની હાલત મુશ્કેલ બની ગઈ છે.
ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે
દિવાળી અને નવરાત્રી જેવા તહેવારોમાં કાર અને ઇલેક્ટ્રોનિક્સનું વેચાણ વધી જાય છે, પરંતુ GST કપાતની અપેક્ષાએ ખરીદદારોને રાહ જોવાની ફરજ પાડી છે. લોકો માની રહ્યા છે કે ટેક્સ ઘટતા જ ગાડીઓ અને અન્ય મોંઘી વસ્તુઓ સસ્તી થઈ જશે. આ જ કારણોસર હાલ બજારમાં માંગ નબળી દેખાઈ રહી છે.
ડીલર્સ પર દબાણ વધ્યું
FADA (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન) એ ચેતવણી આપી છે કે આ પરિસ્થિતિથી ડીલર્સને બેવડો ફટકો પડી રહ્યો છે. પહેલેથી જ વેચાણ ધીમું છે અને હવે GST કપાતની રાહ જોવાથી માંગ વધુ ઘટી રહી છે. તહેવારો માટે ડીલર્સે પહેલેથી જ સ્ટોક વધાર્યો હતો, જેના માટે તેમણે બેંક અને NBFC પાસેથી લોન લીધી છે. જો આગામી ૪૫-૬૦ દિવસ સુધી વેચાણ નબળું રહ્યું, તો તેમને વ્યાજ અને લોન ચૂકવવામાં મુશ્કેલી પડી શકે છે.
કંપનીઓની સ્થિતિ પણ ચિંતાજનક
ઓટો કંપનીઓનું વેચાણ પહેલેથી જ નબળું છે અને તહેવારોની માંગમાં વિલંબથી તેમની ઈન્વેન્ટરી વધી શકે છે. આ સાથે E20 પેટ્રોલના કારણે માઈલેજ ઘટવાની શંકા પણ ગ્રાહકોને વિચારવા પર મજબૂર કરી રહી છે. આની અસર કંપનીઓની આવક પર પણ પડી શકે છે.
મોંઘી વસ્તુઓના વેચાણ પર પણ અસર
ફક્ત કાર જ નહીં, પરંતુ ટીવી, એસી અને અન્ય મોંઘી વસ્તુઓના વેચાણ પર પણ અસર જોવા મળી રહી છે. લોકો ગણેશ ચતુર્થી અને નવરાત્રી સુધી મોટી ખરીદી ટાળી રહ્યા છે. ઘણા ડીલર્સ પણ નવો સ્ટોક લેવામાં ખચકાઈ રહ્યા છે કારણ કે તેમને ડર છે કે માંગ નબળી રહેતા માલ અટકી શકે છે.
દિવાળીથી રોનક પાછી ફરી શકે છે
ઉદ્યોગને આશા છે કે દિવાળી અને લગ્નની સિઝનમાં માંગ ફરીથી વધશે. અનુમાન છે કે દિવાળી દરમિયાન ૧૫-૧૮% સુધી વેચાણ વધી શકે છે. પરંતુ આ માટે GST કપાત પર સ્પષ્ટ નિર્ણય આવવો જરૂરી છે, નહીં તો ડીલર્સ અને કંપનીઓને મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે.