સુરતના કોટ વિસ્તારમાં મેટ્રોનાં કારણે GTPLનું સર્વર થયું ડાઉન, તમામ ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ
સુરતમાં પાછલા અનેક વર્ષોથી મેટ્રો ટ્રેન સર્વિસનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોએ સુરત શહેરને બાનમાં લઈ લીધું છે. ઠેકઠેકાણે મેટ્રોનાં બેરિકેટના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે, પણ આમાંથી હવે ઈન્ટરનેટ સેવાઓ પણ મેટ્રોના કારણે ભોગ બની રહી છે.
GTPL કસ્ટમર કેરમાં ફરિયાદ કરતાં જાણવા મળ્યું છે કે ટેક્નિકલ કારણે સુરતના કોટ વિસ્તારમાં GTPLની સર્વિસ ખોરવાઈ જવા પામી છે. ક્યારે ચાલુ થશે તે અંગે કોઈ ચોક્કસ જવાબ આપવામાં આવી રહ્યો નથી.કોટ વિસ્તારને મેટ્રોએ બાનમાં લઈ લીધો છે. કોટ વિસ્તારનાં ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ મૂક પ્રેક્ષક બનીને પ્રજાને થઈ રહેલી હાલાકી અંગે તમાશો જોઈ રહ્યા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.
બીજી તરફ GTPLનાં આંતરિક સૂત્રોએ જણાવ્યું કે
મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી વારંવાર ઓપ્ટીકલ ફાયબર કેબલ કપાઈ જઈ રહ્યા છે અને તેના કારણે મેઈન સર્વર પણ ડાઉન થયું છે. હવે GTPL દ્વારા કેબલને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે તેના કારણે કેબલ નેટવર્ક ખોટકાઈ જવા પામ્યું છે. નેટ સર્વિસને રિસ્ટોર થવામાં સમય લાગી શકે તેમ છે. ચોક્કસ ક્યારે શરુ થશે તે અંગે કોઈ જવાબ મળી રહ્યો નથી.
સુરતમા ચારેતરફ મેટ્રોએ રસ્તાઓની પથારી ફેરવી નાંખી છે. ખાડા ટેકરા અને રસ્તાઓ પર ડામર અને સિમેન્ટ કોંક્રિટના ગૂમડાઓ રાતોરાત ફૂલીફાલી રહ્યા છે. મેટ્રો દ્વારા મનસ્વી રીતે કામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો અનેક થઈ રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકા કે રાજ્ય સરકાર તેના પર ધ્યાન આપી રહી ન હોવાનું લાગી રહ્યું છે. મેટ્રોનો ભોગ સુરતના લોકો બની રહ્યા છે.