ભેજ અને ગરમીના કારણે ફૂગજન્ય રોગ ઝડપથી ફેલાયો, ઉપજમાં 50% સુધી ઘટાડો
મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં તાજેતરમાં જામફળના પાકમાં એક નવો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને ખેડૂતો “ટપકી વાળો રોગ” તરીકે ઓળખે છે. આ રોગના કારણે ફળની સપાટી પર કાળા અને ભૂરા રંગના નાના ટપકા દેખાઈ આવે છે, જે ધીમે ધીમે મોટા થઈ ફળની અંદર સુધી સડો ફેલાવે છે. પરિણામે ફળ કુમળી જાય છે અને માર્કેટમાં વેચવા યોગ્ય રહેતું નથી, જેથી ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે.
તાઇવાન પિંક જાતના ફળમાં રોગનું પ્રમાણ વધ્યું
શંખલપુર અને આસપાસના વિસ્તારોના ખેડૂતો જણાવે છે કે ખાસ કરીને તાઇવાન પિંક જાતના જામફળમાં આ રોગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે દવા છાંટ્યા બાદ પણ કોઈ ખાસ ફરક પડતો નથી અને ઉપજમાં આશરે 50 ટકા સુધી ઘટાડો નોંધાયો છે. સાથે જ બજારમાં ફળના ભાવ ઘટી જવાથી નુકસાન બમણું થઈ ગયું છે. આ સ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક બની ગઈ છે, કારણ કે ખર્ચા સતત વધી રહ્યા છે અને આવક ઘટી રહી છે.

નિષ્ણાતોનું માનવું – ફૂગજન્ય રોગ ઝડપથી ફેલાય છે
મહેસાણા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની બાગાયત નિષ્ણાત રોશનીબેન બારડ જણાવે છે કે આ રોગ ફૂગજન્ય છે અને ખાસ કરીને ભેજવાળા તથા ગરમ વાતાવરણમાં વધુ ફેલાય છે. તેમના જણાવ્યા અનુસાર આ લક્ષણો ‘એન્થ્રાકનોઝ’ અથવા ‘ગુઆવા રસ્ટ’ જેવા ફૂગજન્ય રોગોમાં જોવા મળે છે. શરૂઆતમાં નાના ડાઘા રૂપે દેખાતા આ લક્ષણો આગળ જઈને ફળની ગુણવત્તા અને દેખાવ બંનેને અસર કરે છે.
સમયસર ઉપચાર ન મળે તો આખી ઉપજ બગડે
આ રોગમાં ફળની સપાટી પર કાળા-ભૂરા ડાઘા દેખાઈ આવે છે, પાન સુકાઈ જાય છે અને ક્યારેક સફેદ પાવડર જેવા ધબકા પણ દેખાય છે. જો શરૂઆતમાં ધ્યાન ન અપાય તો આખું ફળ સડી જાય છે અને તેની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે. પાકની ગુણવત્તા સાથે સાથે ખેડૂતોની આવક પર પણ સીધી અસર પડે છે.

કૃષિ નિષ્ણાતો તરફથી ઉપચાર અને તકેદારીની સલાહ
રોશનીબેન બારડના જણાવ્યા પ્રમાણે ખેડૂતોને રોગગ્રસ્ત ફળ અને પાન તાત્કાલિક ખેતરમાંથી દૂર કરી નાશ કરવા જોઈએ, જેથી ફૂગ બીજા છોડમાં ન ફેલાય. છોડની યોગ્ય કાપકામ કરવી જરૂરી છે જેથી હવા અને સૂર્યપ્રકાશ પૂરતો મળે. Copper Oxychloride (0.3%) અથવા Mancozeb (0.25%) જેવી દવાઓ 10-15 દિવસના અંતરે છાંટવી અસરકારક સાબિત થાય છે. ખેતરમાં પાણી ન ભરાય તેની કાળજી રાખવી જરૂરી છે, કારણ કે ભેજ ફૂગના ફેલાવાનું મુખ્ય કારણ છે.
વૈજ્ઞાનિક માર્ગદર્શનથી બચી શકે પાક અને ખેડૂતોની આવક
મહેસાણા જિલ્લાના ઘણા વિસ્તારોમાં વર્ષોથી જામફળનું ઉત્પાદન થાય છે, પણ છેલ્લા વર્ષોમાં વધતો ભેજ, અનિયમિત વરસાદ અને નવી હાઇબ્રિડ જાતોના ઉપયોગને કારણે આવા રોગો વધ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને બાગાયત વિભાગ ખેડૂતોને સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન આપે છે. જો ખેડૂતો વૈજ્ઞાનિક સલાહના આધારે યોગ્ય પગલાં લેશે, તો ટપકી રોગનો પ્રભાવ 70 થી 80 ટકા સુધી ઓછો કરી શકાય છે. પરિણામે પાકની ગુણવત્તા વધશે અને માર્કેટમાં સારાં ભાવ મળતાં ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

