Guj Marg App: છેલ્લા છ મહિનામાં 99.66% ફરિયાદોનું નિરાકરણ
Guj Marg App: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં રોડ અને પુલોની હાલત ખરાબ થઈ જાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા રસ્તા-માળખાકીય સમસ્યાઓનું ઝડપી ઉકેલ લાવવાનો એક પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી સમગ્ર રાજ્યમાં રસ્તાઓના સુધારક કામો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.
99.66% ફરિયાદોનું નિરાકરણ, માત્ર 7 ફરિયાદો બાકી
રાજ્યના નાગરિકોને રસ્તાઓ અંગેની ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 10,000થી વધુ નાગરિકોએ આ એપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને કુલ 3,632 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાંથી 3,620 ફરિયાદોનો ઉકેલ તાત્કાલિક લાવવામાં આવ્યો છે, એટલે કે 99.66% ફરિયાદોનું નિરાકરણ થઈ ચૂક્યું છે. માત્ર 7 ફરિયાદો હાલ પ્રક્રિયામાં છે.
ખાડા, તૂટી ગયેલા પુલો જેવી સમસ્યાઓ માટે છે ખાસ
‘ગુજમાર્ગ’ એ એવું પ્લેટફોર્મ છે જ્યાં નાગરિકો રસ્તા ઉપર પડેલા ખાડા, નબળી સ્થિતિના પુલો, પાણી ભરાવાથી બગડેલા રસ્તાઓ કે અન્ય માળખાકીય ખામીઓને ફરિયાદ રૂપે સરકાર સુધી સીધા પહોંચાડી શકે છે. નાગરિકોએ ફરિયાદ સાથે ફોટા પણ અપલોડ કરી શકાય છે, જેથી તંત્ર તુરંત કામગીરી શરૂ કરી શકે.
એપ ડાઉનલોડ કરો અને પ્રશ્નો સરળતાથી નોધાવો
આ એપ Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે.
નાગરિક પોતાની ફરિયાદનો status (સ્થિતિ) પણ એપ્લિકેશન મારફતે જોઈ શકે છે.
દરેક ફરિયાદ સીધી માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચે છે, જેથી કોઈ વિલંબ થતો નથી.
સરકારનો દૃઢ નિશ્ચય: ‘જવાબદારી અને ઝડપથી ઉકેલ’
માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે ‘ગુજમાર્ગ’ એપના માધ્યમથી લોકો પોતાની આસપાસની સમસ્યાઓ સામે લાવી શકે છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ચોમાસા દરમિયાન તૂટી ગયેલા માર્ગો અને ખંડિત પુલોની રિપેરિંગ સાથે ટ્રાફિકને મુશ્કેલી વગર ચાલુ રાખવા તાત્કાલિક પગલાં લેવામાં આવશે.
તમારા વિસ્તારના રસ્તામાં સમસ્યા હોય તો ‘ગુજમાર્ગ’ એપ પર ફરિયાદ કરો અને ઉકેલ મેળવો! ડાઉનલોડ કરો Guj Marg App – સરળ, ઝડપી અને વિશ્વસનીય ઉપાય.