33%થી વધુ પાક નુકસાન ધરાવતા ખેડૂતોને મળશે 22,000 પ્રતિ હેક્ટર સહાય
Gujarat Agriculture Relief Package: ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ (Agriculture Relief Package) હેઠળ તે ખેડૂતોને સહાય મળશે, જેમના પાકને ભારે વરસાદના કારણે ગંભીર નુકસાન થયું છે. ગયા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા અતિભારે વરસાદથી જુનાગઢ, થરાદ, વાવ, કચ્છ, પંચમહાલ અને પાટણ જેવા વિસ્તારોમાં બાગાયત પાકને મોટું નુકસાન થયું હતું. હવે આ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક રાહત આપવા માટે રાજ્ય સરકારે નવું પેકેજ જાહેર કર્યું છે.

33%થી વધુ પાક નુકસાન ધરાવતા ખેડૂતોને મળશે સહાય
સરકારના નવા પેકેજ મુજબ, State Disaster Response Fund (SDRF) ના નિયમો મુજબ જેમને 33%થી વધુ નુકસાન થયું છે એવા ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવશે.
બિનપિયત પાક માટે ₹12,000 પ્રતિ હેક્ટર સહાય
પિયત પાક માટે ₹22,000 પ્રતિ હેક્ટર સહાય
આ ઉપરાંત, જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા રવિ પાકનું વાવેતર પણ શક્ય ન બન્યું હોય, તે ખેડૂતોને પણ આ પેકેજ અંતર્ગત સહાય આપવામાં આવશે.

આજથી રજીસ્ટ્રેશન શરૂ, માત્ર 15 દિવસની મર્યાદા
આ કૃષિ રાહત પેકેજ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી એટલે કે 11 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ખેડૂત મિત્રો તેમના ગામના વીએસસી કેન્દ્ર (VSC Center) અથવા ગ્રામ્ય માધ્યમ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન માટેની વિન્ડો 15 દિવસ સુધી ખુલ્લી રહેશે, એટલે સમયસર અરજી કરવી આવશ્યક છે.
કેટલા ખેડૂતોને મળશે લાભ?
સરકારી અધિકારીઓ મુજબ, રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ દરેક જિલ્લામાં થયેલા પાકના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ યોગ્યતા ધરાવતા ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હજારો ખેડૂતોને રાહત મળશે તેવી આશા છે.

