Gujarat ATS ISIS Terrorist Arrest: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા કેન્દ્રીય એજન્સીઓની સહાયથી અમદાવાદ નજીકથી ISIS સાથે જોડાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ દેશભરમાં મોટા આતંકી હુમલાની યોજના ઘડી રહ્યા હતા એવી માહિતી સામે આવી છે. હવે તપાસમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે કે, આ ત્રણેય આરોપીઓએ લખનઉં સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય અને દિલ્હીના ભીડભાડવાળા આઝાદપુર બજારની રેકી કરી હતી.
પકડી પાડવામાં આવેલા આ ત્રણ આતંકવાદીઓની ઓળખ આઝાદ સુલેમાન શેખ, મોહમ્મદ સુહેલ અને અહેમદ મોહીઉદ્દીન સૈયદ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ત્રણે વ્યક્તિઓએ લખનઉં અને દિલ્હીમાં હુમલા માટે સ્થળોની તપાસ કરી હતી અને બંને સ્થળોને સંભવિત ટાર્ગેટ તરીકે પસંદ કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે શેખ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢ વિસ્તારથી હથિયારો મેળવ્યા હતા અને ત્યારબાદ ગાંધીનગરના કબ્રસ્તાનમાં તે હથિયારો છુપાવી દીધા હતા. હૈદરાબાદનો રહેવાસી મોહીઉદ્દીન તે હથિયારો પાછા લઈ જવાનો હતો, પરંતુ ATSએ અગાઉથી જ પગલા લઈ તેની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે આ આતંકવાદીઓ પાસેથી ચાર વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવંત કારતૂસ અને આશરે 40 લિટર એરંડા તેલ જપ્ત કર્યું છે. તપાસ દરમિયાન મોહીઉદ્દીનના મોબાઇલ ફોનમાંથી મળેલી માહિતીના આધારે તેની સાથે જોડાયેલા અન્ય બે આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી હતી. આ રીતે સમગ્ર નેટવર્કના અનેક પાસાં ખુલવા લાગ્યા છે.
ATSના DIG સુનિલ જોશી મુજબ, ડૉ. અહેમદ મોહીઉદ્દીન સૈયદ એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ છે, જેણે ચીનમાંથી MBBS પૂર્ણ કર્યું છે. તે ISIS-ખોરાસણ પ્રાંતના સભ્ય અબુ ખાદીમના સંપર્કમાં હતો, જેણે તેને ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવાનું અને યુવાઓને ભડકાવવાનું કામ સોંપ્યું હતું.

પોલીસે વધુમાં જાણકારી આપી છે કે મોહીઉદ્દીન સાયનાઇડનો ઉપયોગ કરીને ઝેરી રસાયણ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલ ATS ટીમ તપાસ કરી રહી છે કે હથિયારો અને ફંડિંગનો સ્રોત ક્યાંથી મળ્યો અને આ મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સ્લીપર સેલ ક્યાં સક્રિય છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ ગુજરાત ATSએ મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવ્યું છે અને હવે દેશવ્યાપી સ્તરે પણ આ નેટવર્ક અંગે તપાસ તેજ કરવામાં આવી છે.

