Gujarat ATS Operation: ગાંધીનગર નજીક 3 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા
Gujarat ATS Operation: રવિવારે સવારે ગુજરાત ATS (Anti-Terrorist Squad) દ્વારા હાથ ધરાયેલી અચાનક કાર્યવાહીથી રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે શરૂઆતમાં એક શંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યા બાદ તેની પૂછપરછમાં મળેલા તાર પરથી વધુ બે લોકોની ધરપકડ કરીને કુલ ત્રણ શખ્સોને કાબૂમાં લીધા છે. આ સમગ્ર મામલે ATSને કેટલીક ગંભીર માહિતી મળતાં પ્રાથમિક તબક્કે દેશભરમાં ચિંતા વ્યાપી છે.
1 વર્ષથી ATSની રડાર પર હતા શંકાસ્પદો
માહિતી મુજબ, પકડાયેલા ત્રણે લોકો છેલ્લા એક વર્ષથી ATSની નજર હેઠળ હતા. આ લોકોના તાર આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટીએસના સૂત્રો અનુસાર, આ ત્રણે કોઈ મોટી આતંકી સાજિશ અથવા હુમલો કરવા માટે ગુજરાતમાં ભેગા થયા હતા.
સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી મુજબ તેઓ હથિયાર વિનિમય (Weapon Exchange) માટે રાજ્યમાં આવ્યા હતા, જેનાથી શક્ય મોટો ખતરો ટળી ગયો છે.

ATSની ઝડપથી રોકાયો શક્ય મોટો આતંકી ખતરો
અધિકારીઓના જણાવ્યા મુજબ, જો સમયસર આ કાર્યવાહી હાથ ધરાઈ ન હોત, તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકતી હતી. એટીએસની ટીમે રાત્રે ચાલી રહેલી ગુપ્ત તપાસ બાદ ગાંધીનગર નજીકથી ત્રણે શખ્સોને કાબૂમાં લીધા હતા.
આ તમામની ઉંમર 30 થી 35 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. શરૂઆતમાં એકની ધરપકડ કર્યા બાદ તેના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક પુરાવાઓ પરથી બાકીના બે સુધી ટીમ પહોંચી ગઈ હતી.
પકડાયેલા શખ્સોમાં 2 ઉત્તર પ્રદેશ અને 1 હૈદરાબાદનો
માહિતી મુજબ, પકડાયેલા ત્રણમાંથી બે શખ્સ ઉત્તર પ્રદેશના અને એક હૈદરાબાદના હોવાનું બહાર આવ્યું છે. હાલ ત્રણેયને ATS કસ્ટડીમાં રાખીને પૂછપરછ ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ દરમિયાન આ ત્રણે કયા સંગઠન સાથે સંકળાયેલા હતા, તેમનો હેતુ શું હતો અને ગુજરાતમાં તેઓ કોની સાથે સંપર્કમાં હતા તે જાણવા મહત્વપૂર્ણ પુરાવા મળવાની શક્યતા છે.

પ્રેસ કોન્ફરન્સમાં થશે મહત્વના ખુલાસા
આ મામલે આજે બપોરે ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાશે જેમાં ધરપકડ અને ચાલતી તપાસ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવશે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે કેટલાક “ચોંકાવનારા ખુલાસા” થઈ શકે છે, જે દેશવ્યાપી સુરક્ષા એજન્સીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

