SOP દ્વારા દવાઓની કડક ચકાસણી, નવા ટેસ્ટિંગ લેબ અને ફ્લાઈંગ સ્કોડની રચના થશે
ગુજરાત રાજ્ય નકલી અને ડુપ્લીકેટ દવાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનું તૈયારીમાં છે. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જાહેર કર્યું કે રાજ્ય સરકાર એક વિશિષ્ટ SOP (Standard Operating Procedure) તૈયાર કરશે, જે રાજ્ય બહારથી આવતી દવાઓની સઘન ચકાસણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવશે.
તેમણે જણાવ્યું કે SOP અમલમાં આવતા ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બનશે, જ્યાં નકલી દવાઓ સામે કડક કામગીરીની રૂપરેખા લાગુ પડશે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં રૂ. 6 કરોડથી વધુની નકલી દવાઓ અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી છે, અને 75 જેટલા વ્યક્તિઓ/સંસ્થાઓ સામે કાર્યવાહી થઈ છે.
રાજ્ય સરકારે નકલી દવાઓના પ્રવેશને અટકાવવા માટે વડોદરાની હાલની NABL પ્રમાણિત લેબોરેટરી ઉપરાંત ત્રણ નવી ટેસ્ટિંગ લેબ્સ શરૂ કરવાની યોજના ઘડી છે. સાથે જ સ્થળ પર જ ટેસ્ટિંગ માટે આધુનિક હેન્ડહેલ્ડ રેમન સ્પેક્ટ્રોમીટર ટેકનોલોજી આધારિત 10 સાધનો ખરીદવામાં આવશે.
નકલી દવાઓ પકડવા માટે ફ્લાઈંગ સ્કોડ (ડ્રગ) પણ રચાઈ છે, જેના દ્વારા તાજેતરમાં 20 લાખ રૂપિયાની નકલી દવાઓ પકડી પાડવામાં આવી હતી. વધુમાં, નકલી દવાઓ લાવવામાં કેટલાક ટ્રાન્સપોર્ટર અને કુરિયર એજન્સીઓના અવગત અથવા અનવગત સાથ હોવાના કેસ પણ સામે આવ્યા છે.
સરકારના નવા SOP હેઠળ કેટલીક મહત્વપૂર્ણ શરતો જારી કરવામાં આવશે:
- રાજ્ય બહારથી આવતી દવાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત
- દવા વહન કરનારા ટ્રાન્સપોર્ટરોની નોંધણી
- chemist/hospital જો દંડનીય પ્રવૃત્તિમાં ઝડપાય તો લાયસન્સ રદ
- મોંઘી અને ઝડપથી વેચાતી દવાઓ પર ઘનિષ્ઠ મોનીટરીંગ
- ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ ઍક્ટનું કડક પાલન
ગુજરાત દેશના ફાર્માસ્યુટિકલ હબ તરીકે ઓળખાય છે, જ્યાં 5000 કરતાં વધુ દવા ઉત્પાદકો અને 55,000 રિટેલ/હોલસેલ લાયસન્સવાળી દુકાનો કાર્યરત છે. આવી સ્થિતિમાં નકલી દવાઓથી નાગરિકોના આરોગ્યને સુરક્ષિત રાખવા માટે આ પગલાં મહત્વપૂર્ણ સાબિત થશે.