ગુજરાત $69 બિલિયન યુએસ ડૉલરના FDI અને 27% નિકાસના યોગદાન સાથે વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું
નવી દિલ્હીમાં 45 દેશોના રાજદૂતો સાથે સંવાદ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેનું એક ભરોસાપાત્ર કેન્દ્ર ગણાવ્યું. $69 બિલિયન યુએસ ડૉલરના FDI, 27% નિકાસ યોગદાન અને AI, સ્પેસ ટેક, સેમિકન્ડક્ટર, EV, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં અગ્રણી ભૂમિકા સાથે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ‘ન્યૂ-એજ ઇન્ડસ્ટ્રી હબ’ અને રોકાણકારો માટે શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે.
નવી દિલ્હીમાં વિવિધ રાજદૂતો અને મિશનના વડાઓ સાથેની સંવાદ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વૈશ્વિક વિકાસની અસરકારક રજૂઆત કરતા જણાવ્યું કે $69 બિલિયન યુએસ ડૉલરના FDI અને નિકાસમાં 27% યોગદાન સાથે ગુજરાત મજબૂત વૈશ્વિક જોડાણ ધરાવતું રાજ્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)ના પૂર્વાર્ધ તરીકે રાજ્ય સરકાર દ્વારા નવી દિલ્હીમાં આયોજિત સંવાદ બેઠકમાં લગભગ 45 દેશોના રાજદૂતો, હાઈ કમિશનરો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ સંવાદમાં શું કહ્યું?
મુખ્યમંત્રીએ આ સંવાદ બેઠકમાં જણાવ્યું કે વડાપ્રધાનની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ની ઉત્તરોત્તર સફળતાના પરિણામે ગુજરાત ‘વેપારી રાજ્ય’ની છબીથી આગળ વધીને હવે ‘ન્યૂ-એજ ઇન્ડસ્ટ્રી’નું હબ બનવા તરફ અગ્રેસર છે. તેમણે વધુમાં જણાવ્યું કે AI, સ્પેસ ટેક, ફિનટેક, સેમિકન્ડક્ટર, ડિફેન્સ એન્ડ એરોસ્પેસ, EV અને ગ્રીન એનર્જી જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોના ઉદ્યોગોના કેન્દ્ર તરીકે ગુજરાત દેશનું પથદર્શક રાજ્ય બન્યું છે.
2 દાયકામાં ગુજરાતનો વિકાસ
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ, સ્થિરતા અને તકોનું એક ઉજ્જવળ પ્રતીક બન્યું છે. એટલું જ નહીં, ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે એક ટ્રસ્ટેડ પાર્ટનર પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે નીતિ આધારિત શાસન, રોકાણકારો માટે અનુકૂળ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ તેમજ સુવ્યવસ્થિત માળખાગત સુવિધાઓ પૂરી પાડીને ગુજરાત વિદેશી રોકાણકારો માટે રોકાણનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બન્યું છે.
નેતૃત્વમાં ગુજરાત અગ્રેસર
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કનેક્ટિવિટી અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ ગુજરાતની તાકાત છે. દેશના સૌથી લાંબા દરિયાકિનારા, 49 બંદરો અને પીએમ ગતિશક્તિ હેઠળના મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે ગુજરાત લોજિસ્ટિક્સ અને નિકાસમાં અગ્રણી રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નું યોગદાન આપે છે.
VGRCની પૃષ્ઠભૂમિ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પહેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને રાજ્યના દરેક ક્ષેત્રમાં વિસ્તારશે, MSMEને સશક્ત બનાવશે અને પ્રાદેશિક રીતે સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપશે.
રાજદૂતોની ભાગીદારી
તેમણે રાજદૂતો અને ભાગીદાર દેશોને VGRCની થીમ ‘પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ’ સાથે સુસંગત રહીને અને સર્વસમાવેશક, નવીન અને ટકાઉ અર્થતંત્રોના નિર્માણમાં ગુજરાત સાથે ભાગીદાર બનવા અને આગામી રિજનલ કોન્ફરન્સિસમાં વેપાર, રોકાણ, ટેકનોલોજી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સાથે ભાગ લેવા માટે રાજદૂત સમુદાયને ઉષ્માભર્યું આમંત્રણ આપ્યું.
વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધ પ્રભાગના સચિવ સુધાકર દલેલાએ શું કહ્યું?
આ પ્રસંગે વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધ પ્રભાગના સચિવ સુધાકર દલેલાએ કહ્યું, “વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા પછીનું એક મહત્વપૂર્ણ પગલું છે અને તે પ્રાદેશિક ક્ષમતાઓ દર્શાવવા, જમીની સ્તરના વિકાસને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક આકાંક્ષાઓને ‘વિકસિત ભારત@2047’ અને ‘વિકસિત ગુજરાત@2047’ના વ્યાપક વિઝન સાથે સુસંગત પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.” તેમણે ગુજરાત સરકારની VGRCની આ નવીન પહેલની પ્રશંસા કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ નવું પ્લેટફોર્મ રોકાણકારોમાં પણ તેટલો જ ઉત્સાહ પેદા કરશે.
આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્મા અને વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (આર્થિક રાજદ્વારી) પી. એસ. ગંગાધર વગેરેએ પણ પ્રાસંગિક સંબોધન કર્યું.