ગુજરાત: ભારતના ઓટોમોટિવ હબ તરીકે ઉદય, પેટ્રોલથી ઇલેક્ટ્રિક વાહનો સુધીની સફર
ભારતમાં ઓટોમોટિવ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવામાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે. તેના વ્યૂહાત્મક સ્થાન, મજબૂત માળખાકીય સુવિધાઓ અને રોકાણ-પૂરક નીતિઓને કારણે, ગુજરાત ઓટોમોબાઇલ કંપનીઓ માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સુઝુકી મોટર્સ ગુજરાતના કારણે આ ક્ષેત્ર આજે ભારતના અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદન કેન્દ્રો પૈકીનું એક બની ગયું છે. આ સફળતાને ઉજાગર કરવા માટે, આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે.
સુઝુકી મોટર્સ: ગુજરાતની ઓટોમોટિવ ક્રાંતિનું કેન્દ્ર
વર્ષ 2014માં સુઝુકીએ ગુજરાતમાં એક મેગા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા બાદ રાજ્યના ઓટોમોબાઇલ ક્ષેત્રે ગતિ પકડી. આજે સુઝુકી મોટર્સ ગુજરાતનો પ્લાન્ટ 7.5 લાખ કાર યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે વૈશ્વિક ઓટો હબ બનવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્લાન્ટે મહેસાણાની આસપાસ ઓટો કમ્પોનન્ટ ઉદ્યોગમાં મોટા પાયે રોકાણો આકર્ષ્યા છે, જેનાથી રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ છે.
પેટ્રોલથી ઇલેક્ટ્રિક વાહનો તરફની સફર
ગુજરાત માત્ર પેટ્રોલ વાહનોના ઉત્પાદન પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ ભવિષ્યના ઇલેક્ટ્રિક વાહનો (EV)ના ઉત્પાદન માટે પણ તૈયાર છે. સુઝુકી મોટર્સ ગુજરાતે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધારવા માટે ₹32 અબજનું રોકાણ કરીને ચોથી પ્રોડક્શન લાઇન સ્થાપવાની જાહેરાત કરી છે. વધુમાં, સુઝુકી મોટર કોર્પોરેશને ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી પ્લાન્ટ (₹7,300 કરોડ) અને EV ઉત્પાદન સુવિધા (₹3,100 કરોડ)ની જાહેરાત પણ કરી છે, જે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે.
મજબૂત માળખું અને રોકાણ વૃદ્ધિ
ગુજરાતના મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રાજ્ય વૈશ્વિક ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે વ્યૂહાત્મક એક્સપોર્ટ હબ પણ બન્યું છે. 2024માં ગુજરાતે દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા, જાપાન અને ચિલી જેવા દેશોમાં લગભગ ₹3,459 કરોડના ઓટોમોબાઇલની નિકાસ કરી હતી.
રોકાણની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે ₹29,700 કરોડનું માતબર રોકાણ નોંધાયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં રોકાણ વાર્ષિક 16.4%ના મજબૂત દરે (CAGR) વધી રહ્યું છે, જે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
ઉત્તર ગુજરાતમાં આવેલું માંડલ બેચરાજી SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) એક મુખ્ય ઓટો-ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે ઊભરી આવ્યું છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે થયેલી આ પ્રગતિ ગુજરાતને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ઓટોમોટિવ પાવરહાઉસ તરીકે સ્થાપિત કરી રહી છે. આ સફળતા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં રોકાણકારો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બનશે.