ગુજરાત બજેટ 2026-27: શિક્ષણ માટે ₹63,184 કરોડનું મસમોટું રોકાણ, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 13 ક્રાંતિકારી જાહેરાતો
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27 માટે ₹4,08,053 કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કર્યું છે. ગુજરાતના ઈતિહાસમાં આ સૌથી મોટું બજેટ છે, જેમાં સૌથી વધુ મહત્વ શિક્ષણ વિભાગને આપવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ માટે કુલ ₹63,184 કરોડની માતબર જોગવાઈ કરીને સરકારે “વિકસિત ગુજરાત” ના પાયાને મજબૂત કરવાનો નિર્ધાર કર્યો છે.
શાળાના બાળકોથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા યુવાનો સુધી, આ બજેટમાં 13 એવી મોટી જાહેરાતો કરવામાં આવી છે જે આગામી સમયમાં ગુજરાતના શૈક્ષણિક પરિદ્રશ્યને બદલી નાખશે.
1. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી: દીકરીઓ અને વિજ્ઞાન પ્રવાહને બુસ્ટ
સરકારે દીકરીઓના શિક્ષણને પ્રાથમિકતા આપતા ‘નમો લક્ષ્મી યોજના’ માટે ₹1,250 કરોડની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને કુલ ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે. સાથે જ, વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો રસ વધે તે હેતુથી ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ માટે ₹250 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનાથી અંદાજે 2.5 લાખ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
2. ફ્રી બસ પાસ: 13 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત
વિદ્યાર્થીઓને ઘરથી શાળા કે કોલેજ જવા માટે પરિવહનનો ખર્ચ બોજ ન બને તે માટે એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓ માટે ‘બસ પાસ ફી કન્સેશન યોજના’ હેઠળ ₹223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને સૌથી વધુ ફાયદો થશે.
3. શિષ્યવૃત્તિમાં ઐતિહાસિક ફેરફાર: આવક મર્યાદા ₹6 લાખ કરાઈ
મધ્યમ વર્ગના પરિવારો માટે સૌથી મોટી જાહેરાત કરતા સરકારે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની વાર્ષિક આવક મર્યાદા ₹2.5 લાખથી વધારીને ₹6 લાખ કરી દીધી છે. હવે વધુને વધુ વિદ્યાર્થીઓ સરકારી શિષ્યવૃત્તિનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) માટે પણ ₹400 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
4. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અને PM-SHRI શાળાઓ
રાજ્યની શાળાઓના માળખાગત સુધારા માટે ₹3,055 કરોડ ખર્ચવામાં આવશે. બજેટમાં 926 નવી ‘પીએમ શ્રી’ શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ હશે.
શિક્ષણ ક્ષેત્રની અન્ય મહત્વની જાહેરાતો:
- મફત પાઠ્યપુસ્તકો: પ્રાથમિક શાળાના 52 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹119 કરોડના ખર્ચે વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો અપાશે.
- પી.એમ. પોષણ યોજના: 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન બનાવવા માટે ₹552 કરોડની જોગવાઈ.
- શાળા સ્વચ્છતા સહાય: 31,790 શાળાઓ માટે સ્વચ્છતા સહાયની રકમ બમણી કરીને ₹135 કરોડ કરવામાં આવી છે.
- સંકલિત શાળાઓ: બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ એક જ કેમ્પસમાં મળે તેવી નવી શાળાઓ માટે ₹120 કરોડ.
- નમો સેન્ટ્રલ લાઈબ્રેરી: ગાંધીનગરમાં ₹100 કરોડના ખર્ચે દેશની સૌથી આધુનિક અને ડિજિટલ લાઈબ્રેરી બનાવવામાં આવશે.
- ઉચ્ચ શિક્ષણ: રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે અને જૂની કોલેજોના સમારકામ માટે ₹46 કરોડ ખર્ચવામાં આવશે.
- ટેકનિકલ શિક્ષણ: અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ₹51 કરોડના ખર્ચે નવો રિસર્ચ પાર્ક અને ₹51 કરોડના ખર્ચે બોયઝ હોસ્ટેલ બ્લોક બનશે.
- યુથ મેન્ટલ હેલ્થ: વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે વિશેષ કાઉન્સેલિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.
- કૌશલ્ય સહાય: 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ દરમિયાન આર્થિક પ્રોત્સાહન માટે ₹43 કરોડની જોગવાઈ.
2030 ઓલિમ્પિક માટેની તૈયારીઓ
બજેટમાં માત્ર શિક્ષણ જ નહીં, પણ રમતગમત પર પણ ભાર મુકાયો છે. અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા અને 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે ₹1,278 કરોડની ફાળવણી કરાઈ છે. આનાથી રાજ્યના ઉભરતા ખેલાડીઓને વૈશ્વિક સ્તરની સુવિધાઓ મળશે.

