આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનશે: પ્રફુલ પાનસેરિયાએ Essential Drug Listમાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ‘આવશ્યક દવાઓની યાદી’ (EDL)માં મોટો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા જૂની યાદીની સમીક્ષા કર્યા બાદ ૧૫૦ નવી દવાઓ ઉમેરવામાં આવી છે, જ્યારે ૫૭ બિનજરૂરી દવાઓ રદ કરવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે દર્દીઓને કુલ ૧,૪૭૯ જેટલી સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની જરૂરી દવાઓ સરકારી હોસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ થશે.
છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનો સંકલ્પ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારનો ઉદ્દેશ્ય દરેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા આપવાનો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, એસેન્સિયલ ડ્રગ લિસ્ટ (EDL)માં સમાવિષ્ટ તમામ દવાઓ અને સર્જિકલ આઈટમ્સ ગ્રામીણ વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈ શહેરોની મેડિકલ કોલેજો સુધીના તમામ સ્તરે દર્દીઓને મફત આપવામાં આવશે. આ યાદીમાં પ્રાથમિક કક્ષાની ૩૭૮ દવાઓ, સેકન્ડરી કક્ષાની ૬૨૮ અને ટર્સરી એટલે કે ગંભીર રોગોની ૧,૪૭૫ જેટલી દવાઓનો સમાવેશ કરીને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
જીવનરક્ષક અને ગંભીર રોગોની દવાઓમાં નોંધપાત્ર વધારો
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જીવનરક્ષક દવાઓના ગ્રુપમાં મોટો વધારો કરાયો છે. એન્ટી-ઈન્ફેક્ટિવ દવાઓ ૨૦૨થી વધારી ૨૧૬, શ્વસનતંત્રની દવાઓ ૨૯થી વધારી ૪૦ અને આંખની દવાઓ ૫૧થી વધારી ૫૮ કરવામાં આવી છે. તે જ રીતે મેડિકલ ડિવાઈસીસની સંખ્યા પણ ૨૮૭થી વધારીને ૩૪૯ કરવામાં આવી છે. આ યાદીમાં હૃદયરોગની ૧૧૬, કેન્સરની ૫૬, ન્યૂરોલોજીકલ સમસ્યાઓની ૭૫ અને માનસિક રોગોની ૪૩ દવાઓ જેવી ગંભીર બીમારીઓની સારવાર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે.
આધુનિક સારવાર માટે દર વર્ષે યાદીની સમીક્ષા
રાજ્ય સરકાર દર વર્ષે ‘ડ્રગ્સ ફોર્મ્યુલરી’ની ઝીણવટભરી સમીક્ષા કરે છે જેથી દર્દીઓને આધુનિક અને સૌથી અસરકારક દવાઓ મળી રહે. ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની દવાઓમાં પણ વધારો કરીને તેને ૫૬ કરવામાં આવી છે. આ સતત અપડેટ થતી યાદીને કારણે સરકારી દવાખાનાઓમાં આવતા દર્દીઓને ખાનગી હોસ્પિટલો જેવી જ ગુણવત્તાયુક્ત દવાઓ વિનામૂલ્યે પ્રાપ્ત થાય છે. સરકારના આ નિર્ણયથી સામાન્ય અને ગરીબ વર્ગના પરિવારો પર આવતો દવાઓનો આર્થિક બોજ ઘટશે.

