Gujarat Farmers Aid Package: 44 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન, સરકારે હાથ ધરી તાત્કાલિક કાર્યવાહી
Gujarat Farmers Aid Package: ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી વધુ એક રાહતભર્યો નિર્ણય જાહેર થયો છે. અસમયે પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા પાકના ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પ્રતિ હેક્ટર રૂ. 22 હજારની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાય બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને મળશે.
કૃષિમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “આ વાર ખેડૂતો માટે સરકારે ઇતિહાસ રચ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ જે નુકસાન ભોગવ્યું છે તેને પહોંચી વળવા 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રકારની સહાય ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આપવામાં આવી રહી છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ખેડૂતોને નુકસાન ભોગવવું ન પડે તે માટે સરકાર ટેકાના ભાવ હેઠળ આશરે રૂ. 15 હજાર કરોડની ખરીદી કરવાની છે. સાથે જ જો કોઈ ખેડૂતનું ખેતર નુકસાનગ્રસ્ત હોય તો તે અરજી કરીને સહાય મેળવી શકે છે.”

બે હેક્ટર સુધી 22 હજારની સહાય
રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે દરેક ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 22,000 સુધીની સહાય મળશે. જો ખેડૂત પાસે બે હેક્ટર સુધી જમીન હશે, તો તે મુજબ સહાય મળશે. આ નિર્ણય પિયત અને બિનપિયત બંને પ્રકારની ખેતી માટે લાગુ રહેશે.
કૃષિ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે “જે ખેડૂત હજુ સુધી સહાય માટે અરજી નહીં કરી હોય, તેઓ પણ હવે અરજી કરી શકશે. રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્ત ખેડૂતના પડખે ઊભી છે.”
SDRF અને રાજ્ય સહાયમાંથી મળી રહ્યું છે ફંડ
સરકાર દ્વારા જાહેર કરાયેલા 10 હજાર કરોડના આ પેકેજમાં SDRFમાંથી રૂ. 6,429 કરોડ અને રાજ્ય સરકારના ફંડમાંથી રૂ. 3,886 કરોડનો સમાવેશ થાય છે. એકંદરે 9,815 કરોડનો આંકડો સામે આવ્યો છે, પરંતુ સરકારએ વધારાની રકમ તે ખેડૂતોને આપવા માટે રાખી છે, જેઓ સહાયમાંથી રહી ગયા હોય.

કમોસમી વરસાદથી 44 લાખ હેક્ટર પાકને નુકસાન
ગત મહિના દરમ્યાન પડેલા અસમયે વરસાદે રાજ્યના 16,500થી વધુ ગામોના ખેડૂતોને અસર કરી છે. અંદાજે 44 લાખ હેક્ટર જમીનમાં પાકને ભારે નુકસાન થયું છે. સરકારે યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ શરૂ કરી છે.
રાજ્ય સરકારે ખેડૂતોને આપ્યો વિશ્વાસ
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અંતમાં કહ્યું, “સરકાર ખેડૂતો માટે પ્રતિબદ્ધ છે. જો જરૂરી હોય તો વધુ સહાય પણ આપવામાં આવશે. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોને સરકાર એકલા છોડશે નહીં.”
