ખેંચાતા વરસાદ વચ્ચે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વહિવટી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વધુ વીજળી અને પાણી આપવાનો નિર્ણય કરાયો છે.
કૃષિ વીજ પુરવઠો વધારાયો

રાજ્ય સરકારે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક કૃષિ માટે વીજ પુરવઠો કરવાનો નિર્ણય લીધો છે.
સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી
વરસાદ ખેંચાતા ખેડૂતોની પડતી જરૂરિયાતો પૂરી કરવા માટે નર્મદાના વધારાના પાણીમાંથી જથ્થો સૌની યોજનાના માધ્યમથી આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે, પાણીના પુરવઠાને કારણે પીવાનું પાણી અને સિંચાઈ – બંને જરૂરિયાતો સંતોષાશે.
ઉત્તર ગુજરાતને પણ લાભ મળવાની શક્યતા
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદમાં ઘટાડો નોંધાયો છે. જો સ્થાનિક નાગરિકો અને ખેડૂતોએ રજૂઆત કરી અને પરિસ્થિતિ અનુકૂળ જણાશે તો, તેમને પણ સુજલામ સુફલામ યોજના હેઠળ પાણી આપવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ નિર્ણયો ખેડૂતોએ વરસાદ ન હોવા છતાં ખેતી ચાલુ રાખી શકે અને ઉત્પાદન હાંસલ કરી શકે તે દિશામાં મોટી રાહતરૂપ છે.