નવરાત્રિમાં શુદ્ધ આહાર સુનિશ્ચિત કરવા સક્રિય રહેશે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન: પ્રફુલ પાનશેરીયા
આરોગ્યપ્રદ જીવન માટે શુદ્ધ અને પૌષ્ટિક આહાર એ પ્રાથમિક જરૂરિયાત છે. તહેવારોના દિવસોમાં જ્યારે રાજ્યભરમાં ખાદ્યપદાર્થોનો વપરાશ વધી જાય છે, ત્યારે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration) ના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજીને ખોરાકની ગુણવત્તા સંદર્ભે કડક માર્ગદર્શિકા જાહેર કરી હતી.
મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શુદ્ધ અને અલ્પાહાર કે ભોજન મેળવવું એ રાજ્યના પ્રત્યેક નાગરિકનો મૂળભૂત હક છે, અને ભેળસેળ કરનારા તત્વો સામે સરકાર જરાય ચલાવી લેવાના મૂડમાં નથી.
નવરાત્રિ પર્વમાં ભેળસેળ રોકવા સ્થળ પર જ તપાસ: મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન રહેશે સક્રિય
નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન રાજ્યભરમાં મીઠાઈ, ફરસાણ, દૂધ, માવો અને ઘી જેવા ખાદ્ય પદાર્થોની માંગમાં મોટો ઉછાળો આવતો હોય છે. આ સમયગાળા દરમિયાન કેમિકલયુક્ત કે હલકી ગુણવત્તાવાળા ખોરાકનું વેચાણ અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં ‘મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન’ વિશેષ રૂપે કાર્યરત કરવામાં આવશે.

આ વાહનોમાં આધુનિક ઉપકરણો અને ટેકનિકલ ટીમો ઉપલબ્ધ રહેશે, જે જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં સ્થળ પર જ જઈને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને શુદ્ધતાની તાત્કાલિક ચકાસણી કરશે. મંત્રીએ ભેળસેળયુક્ત કે વાસી ખોરાક વેચીને લોકોના આરોગ્ય સાથે રમત રમતા વેપારીઓને કડકમાં કડક કાનૂની કારવાઈ અને ભારે દંડ કરવાની ગંભીર ચીમકી પણ આપી હતી.
રસોડાની સ્વચ્છતા જાતે તપાસો: જનતાને સજાગ રહેવા મંત્રીની અપીલ
માત્ર સરકારી તંત્રની કામગીરી પર નિર્ભર રહેવાના બદલે નાગરિકો પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેવી અપીલ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ ગ્રાહકો કોઈ હોટેલ, રેસ્ટોરન્ટ કે ખાણી-પીણીની દુકાને જાય, ત્યારે તેઓ ત્યાંના રસોડાની (Kitchen) સ્વચ્છતા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાતે ચકાસી શકે છે.
જો કોઈ જગ્યાએ અસ્વચ્છતા, વાસી ખોરાક કે ભેળસેળની આશંકા માલૂમ પડે, તો નાગરિકોએ મુકપ્રેક્ષક બનવાને બદલે તુરંત જ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર સ્થિત કચેરી અથવા સ્થાનિક તંત્રનો સંપર્ક કરીને સત્તાવાર ફરિયાદ નોંધાવવી જોઈએ. નાગરિકોની જાગૃતિ જ અસમાજિક વેપારીઓ પર લગામ કસવાનું સૌથી મોટું શસ્ત્ર બનશે.
રાજ્યવ્યાપી હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઈવ: ૧૪૦૭ એકમોની તપાસ, ૩૨૮ને નોટિસ
વિદ્યાર્થીઓ અને નોકરિયાતોના સ્વાસ્થ્યની કાળજી લેવાના ભાગરૂપે, આરોગ્ય મંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા ૧૪ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં એક ખાસ ‘હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઈવ’ હાથ ધરવામાં આવી હતી.
આ ૧૫ દિવસીય સઘન અભિયાન દરમિયાન તંત્ર દ્વારા કુલ ૧૪૦૭ હોસ્ટેલ અને કેન્ટીન પરિસરોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં:
૨૫૯ સરકારી હોસ્ટેલ-કેન્ટીન
૩૦૩ અર્ધસરકારી એકમો
૮૪૫ ખાનગી (Private) એકમોનો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન જહા અસ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘનનું પ્રમાણ મળ્યું, તેવા કુલ ૩૨૮ એકમોને ‘ઈમ્પ્રુવમેન્ટ નોટિસ’ (સુધારાત્મક નોટિસ) ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, શંકાસ્પદ જણાતા ૪૫૯ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ (Samples) લઈને તેને વધુ ચકાસણી અર્થે સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ ઝુંબેશની કડક અસર એ થઈ કે તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ ધરાવતા ૧૬ એકમો સ્વૈચ્છિક રીતે બંધ કરી દેવાયા હતા, જ્યારે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા ૫ એકમોના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તહેવારો પૂરતું નહીં, ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહેશે
બેઠકના અંતે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું હતું કે, શુદ્ધ ખોરાક સુનિશ્ચિત કરવાનું આ અભિયાન માત્ર નવરાત્રિ કે અન્ય તહેવારો પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેને કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવશે.
ખાસ કરીને સુરત, અમદાવાદ અને વડોદરા જેવી મોટી મહાનગરપાલિકાઓની ફૂડ સેફ્ટી ટીમો દ્વારા રાત-દિવસ એક કરીને જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, તેની મંત્રીએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરનાર કોઈ પણ નાના કે મોટા વેપારીને બક્ષવામાં ન આવે.
