IPL 2026 ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સે કર્યો મોટો ફેરફાર, ગિલ ‘બ્રિગેડ’ નવા અવતારમાં જોવા મળશે
IPL 2026ના ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સે મોટો ફેરફાર કર્યો છે. 2022માં IPLનો ખિતાબ જીતનારી ગુજરાતની ટીમને નવા પ્રિન્સિપાલ સ્પોન્સર મળ્યા છે. એટલે કે આગામી સિઝનમાં શુભમન ગિલની ટીમ નવી જર્સીમાં જોવા મળશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે આવતા મહિને ખેલાડીઓની હરાજી થવાની છે. તે પહેલાં તમામ 10 ટીમોને પોતાની-પોતાની રિટેન્શન લિસ્ટ જાહેર કરવાની છે, જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે, 2022 IPLની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સે એક મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત ફ્રેન્ચાઇઝીને નવા પ્રિન્સિપાલ જર્સી સ્પોન્સર મળ્યા છે. એટલે કે આગામી સિઝનમાં શુભમન ગિલની ટીમ નવી જર્સીમાં જોવા મળશે.

ગુજરાત ફ્રેન્ચાઇઝીને મળ્યા નવા પ્રિન્સિપાલ સ્પોન્સર
શુભમન ગિલની કેપ્ટનશીપવાળી ટીમ ગુજરાત ટાઇટન્સે IPL 2026 માટે **’બિરલા એસ્ટેટ્સ’**ને પોતાના નવા મુખ્ય પ્રાયોજક બનાવ્યા છે. બિરલા એસ્ટેટ્સ, આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ લિમિટેડ (ABREL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
ગુજરાત ટાઇટન્સના COO કર્નલ અરવિંદર સિંહે પણ કંપની સાથેની આ ભાગીદારી અંગે તેમની ઉત્સુકતા વ્યક્ત કરી અને કહ્યું કે, “અમને વિશ્વાસ અને ઉત્કૃષ્ટતાના પર્યાય, બિરલા એસ્ટેટ્સનું અમારા નવા મુખ્ય પ્રાયોજક તરીકે સ્વાગત કરતાં આનંદ થાય છે.”
બિરલા એસ્ટેટ્સના MD અને CEO કે.ટી. જિતેન્દ્રને કહ્યું, “બિરલા એસ્ટેટ્સમાં અમારો ઉદ્દેશ્ય એવા સીમાચિહ્નો બનાવવાનો છે જે જીવનને પ્રેરિત કરે. IPLની સૌથી ઊર્જાવાન અને દૂરંદેશી ટીમોમાંથી એક, ગુજરાત ટાઇટન્સ સાથેની આ ભાગીદારી અમારા ઉત્કૃષ્ટતા, નવીનતા અને સમુદાયના મૂળભૂત ફિલસૂફીને બિલકુલ અનુરૂપ છે.” તેમણે આ ડીલને “ભારત અને તેના વિદેશી લાખો ચાહકો” સાથે જોડાવાની એક તક ગણાવી છે.
Birla Estates teams up with Gujarat Titans as Principal Sponsor for IPL 2026! Brace yourself for an exciting new season of power, passion, and unstoppable success!#NewPartnership | #Sponsor | #GujaratTitans | #BirlaEstates | #Homes | #LifeDesigned | #Cricket #AavaDe… pic.twitter.com/6aGjqYRJ8R
— Gujarat Titans (@gujarat_titans) November 13, 2025
Dream11 સાથે નાતો તૂટ્યો
આ પહેલાં ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ11 IPL 2025માં ગુજરાત ટાઇટન્સની ઓફિશિયલ પ્રિન્સિપાલ જર્સી સ્પોન્સર હતી. જોકે, ભારત સરકારના નવા “ઓનલાઈન ગેમિંગ પ્રવર્તન અને વિનિયમન બિલ, 2025” બાદ રિયલ મની ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આના કારણે ડ્રીમ11ને ફ્રી-ટુ-પ્લે મોડેલ અપનાવવું પડ્યું. આ જ કારણોસર કંપનીએ BCCI અને ગુજરાત ફ્રેન્ચાઇઝી બંને સાથેના તેના કરાર સમાપ્ત કરવા પડ્યા.
અગાઉ ‘એથર એનર્જી’ વર્ષ 2022થી ગુજરાત ફ્રેન્ચાઇઝીના મુખ્ય પ્રાયોજક હતા. નોંધનીય છે કે, શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે 14 મેચોમાં 9 જીત અને 5 હાર સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

