ગુજરાત વિધાનસભાનું સત્ર: સરકારના 5 મોટા વિધેયકો પર રહેશે સૌની નજર, ભવિષ્યમાં શું ફેરફાર થશે?
ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં કુલ ૫ વિધેયકો રજૂ કરાશે. આ સત્ર દરમિયાન કેટલાક કાયદાઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે ઉદ્યોગ, રોજગાર, આરોગ્ય અને કરવેરાના ક્ષેત્રને સીધી અસર કરશે.આગામી 8 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન 15મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર યોજાશે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે આ ત્રણ દિવસના સત્ર દરમિયાન કુલ 5 વિધેયકો રજૂ કરાશે, જેમાં મુખ્યત્વે શ્રમ, નાણા, ઉદ્યોગ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગને આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર: ૫ મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરાશે
૧૫મી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર આગામી 8 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે આ ત્રણ દિવસના સત્ર દરમિયાન કુલ ૫ વિધેયકો રજૂ કરવામાં આવશે. સત્રની શરૂઆત પ્રશ્નોતરીથી થશે અને ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને, ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.
રજૂ થનાર વિધેયકોની વિગતો
આ સત્રમાં નીચે મુજબના ૫ વિધેયકો રજૂ કરવામાં આવશે:
કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૫: આ વિધેયક રાજ્યમાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવા અને રોજગારની તકો વધારવાના હેતુથી લાવવામાં આવશે. આમાં ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે કામના કલાકો અને સુરક્ષા સંબંધિત કાયદાકીય જોગવાઈઓમાં સુધારા કરવામાં આવશે.
માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, ૨૦૨૫: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને ઝડપથી લાગુ કરવા અને કેન્દ્રીય તથા રાજ્યના જીએસટી કાયદાઓ વચ્ચે એકરૂપતા જાળવવા માટે આ વિધેયક લાવવામાં આવશે.
ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, ૨૦૨૫: ઉદ્યોગોમાં વ્યાપાર પ્રક્રિયાને સરળ બનાવવા, કોર્ટ પરનો બોજ ઘટાડવા અને લોકોના જીવનની સરળતા વધારવાના ઉદ્દેશ્યથી આ વિધેયક રજૂ કરાશે.
ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, ૨૦૨૫: આ વિધેયક કેન્દ્ર સરકારની સૂચના મુજબ આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરો માટે નિયમનકારી સંસ્થાને ‘બોર્ડ’ ને બદલે ‘કાઉન્સિલ’ તરીકે ઓળખવા માટે લાવવામાં આવશે.
ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, ૨૦૨૫: રાજ્યમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી અને નિયમન માટે અમલમાં મુકાયેલા કાયદાનો અસરકારક અમલ થાય તે માટે, આ સંસ્થાઓને નોંધણી માટે વધુ સમય આપવાના હેતુથી આ વિધેયક રજૂ કરાશે.