અરબસાગરમાંથી ટ્રફ લાઇન છૂટી, અસર યથાવત રહેશે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી વરસાદી પ્રવૃત્તિ હવે નવી દિશામાં આગળ વધી રહી છે. શનિવાર અને રવિવારે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદે તારાજી મચાવી હતી. અમદાવાદ, ખેડા અને આણંદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું.
લોપ્રેશર બન્યા પછી સિસ્ટમને લાગ્યો વળાંક
આ સિસ્ટમ 25 જુલાઈના રોજ બંગાળની ખાડીમાંથી ઊદ્ભવ્યા બાદ ઓડિશા, ઝારખંડ અને છત્તીસગઢ મારફતે મધ્ય પ્રદેશના ગુજરાત નજીકના વિસ્તારો સુધી પહોંચી હતી. શરૂઆતમાં આ એક શક્તિશાળી ડિપ્રેશન હતું, જે પછી તે ધીમે ધીમે નબળી પડીને હવે વેલમાર્ક લોપ્રેશર બની ગઈ છે.
દિશા બદલતા હવે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફ પ્રયાણ
અગાઉ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી હતી, જે હવે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ વળતા રાજસ્થાનના ભાગમાં પ્રવેશી છે. પરિણામે ગુજરાતમાં તીવ્ર વરસાદની શક્તિ ઘટી ગઈ છે, જોકે સંપૂર્ણ રીતે અસર સમાપ્ત થઈ નથી.
ટ્રફ લાઈનથી હજુ વરસાદ યથાવત
હાલમાં અરબસાગરથી લઈ ઉત્તર પ્રદેશ સુધી ખેંચાયેલી ટ્રફ લાઈનના કારણે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. જોકે, સામાન્ય રીતે વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે.
સૌરાષ્ટ્ર માટે રાહ જોવાની ઘડી
હવે આ સક્રિય સિસ્ટમો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાંથી આગળ વધી ગઈ છે,તેમજ લોકોને આગામી સિસ્ટમની રાહ જોવી પડશે.