ટેકાના ભાવ પરથી પાક ખરીદી માટે રાજ્ય સરકારનું મોટું આયોજન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજ્ય સરકારે હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી જોરશોરથી ચાલુ રાખી છે, જેમાં અત્યાર સુધીમાં 1.05 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી થઈ છે. આ ખરીદીનું મૂલ્ય અંદાજે 769 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. કુલ 253 કેન્દ્રો પરથી 45,790 ખેડૂતો પાસેથી આ ખરીદી પૂર્ણ કરવામાં આવી છે. હવે સરકાર દ્વારા આગામી ચરણમાં અન્ય મહત્વના ખરીફ પાકોની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
24 નવેમ્બરથી ડાંગરની MSP ખરીદી રાજ્યસ્તરે શરૂ
કૃષિ વિભાગ મુજબ ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી આજથી શરુ થશે. ખાસ કરીને ડાંગર માટે અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર આશરે 1500 કિલોગ્રામ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી 24 નવેમ્બરથી શરૂ થઈ 31 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે. રાજ્યભરમાં ડાંગરની ખરીદી માટે કુલ 113 કેન્દ્રો નિર્ધારિત કરાયા છે.
વિવિધ અનાજ માટે કેન્દ્રવાર ખરીદીની વ્યવસ્થા
સરકારે અન્ય અનાજના પાક માટે પણ વિગતવાર આયોજન કર્યું છે. બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિશ્ચિત કેન્દ્રો પરથી ખરીદી કરાશે. હેક્ટરદીઠ ખરીદીની મર્યાદામાં બાજરી 1848 કિલોગ્રામ, જુવાર 1539 કિલોગ્રામ, મકાઈ 1864 કિલોગ્રામ અને રાગી 903 કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યા છે. MSP મુજબ કેન્દ્ર સરકારે ક્વિન્ટલ દીઠ ડાંગર 2369 અને 2389, બાજરી 3075, જુવાર (હાઇબ્રિડ) 3999, જુવાર (માલદંડી) 4049, મકાઈ 2400 અને રાગી 5186 રૂપિયા નક્કી કર્યા છે.
ખેડૂતો માટે રાહતરૂપ નિર્ણયથી બજારમાં ઉત્સાહ
સરકારના આ હકારાત્મક અને સહાયરૂપ નિર્ણયથી રાજ્યના ખેડૂતોમાં રાહતનો માહોલ સર્જાયો છે. વિવિધ પાકોની MSP ખરીદી એકસાથે શરૂ થવાથી ખેડૂતોને બજારની અનિશ્ચિતતાથી બચાવ મળશે અને પાકનું યોગ્ય મૂલ્ય મેળવવામાં સહાય થશે. આગામી દિવસોમાં ખરીદી પ્રક્રિયા વધુ ગતિ પકડવાની શક્યતા છે.

