ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, ક્યાં થયો ધોધમાર વરસાદ?
રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ દર્શન આપ્યા હતા. અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં સવારે ધોધમાર વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો હતો. હવે લોકોના મનમાં પ્રશ્ન ઊભો થયો છે કે આગામી દિવસોમાં આ વરસાદ યથાવત રહેશે કે ફરી તાપમાન વધશે?
વેલ માર્ક્ડ લો પ્રેશરનું આગમન
હવામાન વિભાગે માહિતી આપી છે કે પશ્ચિમ રાજસ્થાન અને તેની નજીકના પાકિસ્તાન વિસ્તારમાં એક સારી રીતે વિકસિત લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. તે મધ્યમ ઉષ્ણકટિબંધીય સપાટીએ ચક્રવાતી ઘર્ષણ સાથે જોડાયેલ છે અને ધીરે ધીરે પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. મોસમ ટ્રફ રેખા હવે પૂર્વ બંગાળની ખાડી તરફ ખેંચાઈ રહી છે.
આગામી દિવસોમાં ભારે વરસાદ?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 22થી 31 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વધુ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ ઊભી થશે જે પશ્ચિમ દિશામાં ગતિ કરી શકે છે અને 23 જુલાઈથી ગુજરાતને અસર પહોંચાડી શકે છે. આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી “વેલ માર્ક્ડ લો પ્રેશર” અથવા “ડિપ્રેશન”માં ફેરવાય તેવી શકયતા છે. તેથી 25થી 31 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ભીષણ આગાહી છે.
અંબાલાલ પટેલ શું કહે છે?
વાત કરીએ હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલની તો તેમનું કહેવું છે કે હાલના સમયમાં સામાન્ય વરસાદની જ શક્યતા છે. દક્ષિણ ચીન તરફ સર્જાતા વાવાઝોડા અને આફ્રિકા તરફથી આવતા પવનના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજ પહોંચવામાં અવરોધ થઈ રહ્યો છે. તેથી હાલમાં રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે.
આગામી 5 દિવસ કેવી રહેશે હવામાનની સ્થિતિ?
હવામાન વિભાગે રાજ્ય માટે 21થી 26 જુલાઈ સુધી હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 25 જુલાઈથી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોને વધારે અસર થઈ શકે છે.