Gujarat Relief Package: 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાતથી રાજકીય ગરમાવો
Gujarat Relief Package: રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન વેઠનાર ખેડૂતો માટે ગુજરાત સરકારે ઐતિહાસિક ગણાતું રૂ. 10 હજાર કરોડનું રાહત પેકેજ (Gujarat Relief Package) જાહેર કર્યું છે. આ પેકેજને રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ પેકેજ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં આ મુદ્દે ગરમાવો વધી ગયો છે.
ભાજપ સરકારના આ નિર્ણયને લઇને હવે વિરોધ પક્ષો પણ મેદાનમાં ઊતરી આવ્યા છે. કોંગ્રેસ અને ભાજપ પછી આમ આદમી પાર્ટી (AAP) એ પણ આ પેકેજને અપૂર્ણ અને દેખાવડું ગણાવીને સરકારની ટીકા કરી છે.

ગોપાલ ઇટાલિયાની ટીકા – “ખેડૂતો માલામાલ નહીં, મજાક થઇ ગઈ”
વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલિયા (MLA Gopalbhai Italia) એ જણાવ્યું કે, “સરકાર 10 હજાર કરોડની વાત કરે છે એટલે લાગે કે હવે ખેડૂતોના ખેતરમાં હેલિકોપ્ટર ઉતરી જશે. પરંતુ હકીકત એવી છે કે ખેડૂતોને હાથમાં આવતી રકમ તેમના દવા, ખાતર, મજૂરી અને બિયારણના ખર્ચા કરતા પણ ઓછી છે.”
તેમણે ઉમેર્યું કે, “આ પેકેજને રાહત નહીં પણ મજાક કહી શકાય. ખેડૂતના વાસ્તવિક નુકસાનની સામે આ રકમ અતિ નાની છે. સરકારે જો ખરેખર ખેડૂતપ્રેમ બતાવવો હોય તો દેવા માફી કે પૂરતી સહાય આપવી જોઈએ.”’

ખેડૂતોમાં અસંતોષ અને વિરોધની લહેર
રાજ્યના અનેક વિસ્તારોમાંથી ખેડૂતોના અસંતોષના અવાજ ઉઠી રહ્યા છે. ઘણા ખેડૂતો માને છે કે આ રાહત પેકેજ માત્ર કાગળ ઉપરનું આંકડા છે, હકીકતમાં તેની અસર જમીન સ્તરે દેખાશે નહીં. કેટલાક ખેડૂતોના મતે, નુકસાનના પ્રમાણ મુજબ સહાય નક્કી કરવી જોઈતી હતી, ન કે એક સરખી રકમ બધાને આપવી.
દેવા માફી માટે વધતી માંગ
રાજકીય પક્ષો અને ખેડૂતોની સંસ્થાઓ બંનેએ સરકાર સામે દેવા માફી જેવી મોટી માંગ ઉઠાવી છે. ઘણા નેતાઓએ કહ્યું કે, માત્ર સહાયથી ખેડૂતો ઉભા રહી શકશે નહીં. “Gujarat Relief Package” ને વધુ અસરકારક બનાવવા માટે સરકારને વાસ્તવિક આંકડા અને જમીન સ્તરની સ્થિતિને ધ્યાને લેવી જરૂરી છે.

