કચ્છના ભુજમાં ચિંતાજનક ઘટના
ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં શિક્ષણ વ્યવસ્થાની અવગણના સામે આવી છે. ભુજના ભારતનગર વિસ્તારમાં આવેલી પેટા શાળામાંથી એકસાથે 154 વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી સર્ટિફિકેટ કઢાવીને સામૂહિક ડ્રોપઆઉટ કરી દીધું છે. છેલ્લા છ વર્ષથી વાલીઓ અને સ્થાનિક આગેવાનોએ શાળાને સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવા માટે અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
દરજ્જાની માગણીએ લીધું ઉગ્ર સ્વરૂપ, વિદ્યાર્થીઓએ શિક્ષણ ત્યાગવાનો માર્ગ અપનાવ્યો
વર્ષ 2019માં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને કારણે ભારતનગર વિસ્તારમાં આ શાળાની પેટા શાળાની શરૂઆત કરાઈ હતી. ત્યારે આશ્વાસન મળ્યું હતું કે ટૂંક સમયમાં તેને સ્વતંત્ર શાળાનો દરજ્જો અપાશે. છ વર્ષ પછી પણ શાળામાં ન તો યોગ્ય ઓરડા છે, ન તો પરવા. વિદ્યાર્થીઓ હાલ કોમ્યુનિટી હોલ જેવી અણુકૂળ જગ્યા પર ભણતા હતા.
શિક્ષણ તંત્રના વલણ સામે વાલીઓનો ઉગ્ર વિરોધ
સ્થાનિક આગેવાન સિકંદર સુમરા સહિત વાલીઓએ રાજ્ય સરકારના વલણ પર આક્ષેપ કર્યો છે. અનેક લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પણ રાજ્યકક્ષાએ મોકલાયેલી દરખાસ્ત હજુ સુધી મંજૂર કરવામાં આવી નથી. પરિણામે રોષે ભરાયેલા વાલીઓએ સ્કૂલમાં જઈને બાળકોના પ્રમાણપત્ર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી.
પ્રવેશોત્સવના માહોલમાં સામે આવી હકીકત
એક બાજુ સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા પ્રચારાત્મક કાર્યક્રમો યોજી રહી છે, અને બીજી બાજુ ભારતમાં શિક્ષણ માટે જરૂરી બેઝિક સુવિધાઓમાંથી પણ વંચિત બાળકો હકીકત દર્શાવી રહ્યા છે. સરકારી દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો મોટો ફાળો આ ઘટનામાં ચોખ્ખો દેખાઈ આવ્યો છે.
આંદોલનની આગ હજુ શમાઈ નથી: કલેક્ટર કચેરી સુધી રજુઆતની તૈયારી
આ મુદ્દો હવે સ્થાનિક સ્તરે જ નહીં, જિલ્લા અને રાજ્ય સ્તરે પણ ઊઠી રહ્યો છે. આગામી સોમવારે વાલીઓ અને વિદ્યાર્થીઓ એકસાથે કલેક્ટરને મળીને પોતાની માંગોની લેખિત રજૂઆત કરશે. વાલીઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે બાળકોના ભવિષ્ય સાથે કોઈ રાજકીય કે શાસકીય રમત નહીં ચલાવવી જોઈએ.
154 વિદ્યાર્થીઓનો એકસાથે શાળામાંથી બહાર નીકળવાનો નિર્ણય એ માત્ર આ શાળા નહીં, પણ સમગ્ર રાજ્યના શિક્ષણ તંત્ર માટે ચિંતાની લાગણી છે. આવો નિર્ણય શિક્ષણની પડતર હાલત અને વાલીઓના ધૈર્યના અંતની સાક્ષી છે.