વાવાઝોડા અને કરા સાથે ત્રાટકશે ચોમાસું: તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે
સમગ્ર દેશમાં ચોમાસાની સિઝન ચરમસીમા પર પહોંચી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૧૩ ઓગસ્ટના રોજ દેશના વિવિધ ભાગોમાં હવામાન વધુ ખરાબ થવાની મોટી ચેતવણી જારી કરી છે. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના ૧૬ થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર વાવાઝોડું આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમયગાળા દરમિયાન કેટલાંક વિસ્તારોમાં ૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે, જ્યારે અમુક સ્થળોએ કરા પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં એક મજબૂત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત ઉત્તર મધ્યપ્રદેશ પર બનેલા ઓછા દબાણ વાળા ક્ષેત્ર (Low-Pressure Area) ની સીધી અસરને કારણે મધ્ય અને પશ્ચિમ ભારતમાં મેઘરાજા ભારે બેટિંગ કરી રહ્યા છે. આ હવામાન પ્રણાલીને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાશે.

૧૬ રાજ્યોમાં પવન અને વરસાદનો ખતરો
હવામાન ખાતા દ્વારા ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પૂર્વ ભારતના રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું તબાહી મચાવી શકે છે, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને માછીમારોને દરિયામાં કે ખુલ્લા ખેતરોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
પહાડી અને ગીચ જંગલ વિસ્તારો માટે ખાસ એડવાઈઝરી
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન (Landslide) અને વાદળ ફાટવાની ઘટનાઓ વધી શકે છે. પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ વિસ્તારની યાત્રા શરૂ કરતા પહેલા હવામાન વિભાગના અપડેટ્સ ખાસ ચકાસી લે. વધુમાં, જોરદાર પવનને કારણે મોટા વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી જવાની શક્યતા હોવાથી ગીચ વૃક્ષો ધરાવતા વિસ્તારો કે જંગલના રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું જોઈએ.

વિવિધ રાજ્યોમાં હવામાનની સ્થિતિ
દિલ્હી-એનસીઆરમાં ૧૩ ઓગસ્ટે વાદળછાયા વાતાવરણ વચ્ચે મુસળધાર વરસાદની આગાહી છે, જ્યાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી રહેશે. ઉત્તર પ્રદેશના ગોરખપુર, કાનપુર, આગ્રા અને મેરઠ જેવા જિલ્લાઓમાં ૭૦ કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. બિહારના પટના, ગયા અને મુઝફ્ફરપુર સહિત ૨૩ થી વધુ જિલ્લાઓમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
ઝારખંડના રાંચી, જમશેદપુર અને પલામુમાં ૬૦ કિમીની ઝડપે પવન સાથે વરસાદ થશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જયપુર, ઉદયપુર અને કોટા જેવા વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળશે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને દાર્જિલિંગમાં પણ મૂસળધાર વરસાદનું એલર્ટ છે. મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગુજરાતના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
તમામ નાગરિકોને નદી-નાળા અને જળબંબાકાર વાળા વિસ્તારોથી દૂર રહેવા તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.