અમદાવાદ માં ઇન્ડીયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 24 ફેબ્રુઆરીના રોજ રમાનારી ટેસ્ટ મેચને લઇને મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવાયો છે,અને આજે 18 ફેબ્રુઆરીએ ઇન્ડીયા અને ઇંગ્લેન્ડની ટીમ બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર આવ્યા બાદ બંને ટીમ સીધી આશ્રમ રોડ ખાતેની હયાત હોટલ ખાતે જવા રવાના થશે. હયાત હોટલ ખાતે બંને ટીમના તમામ ખેલાડીઓ રોકાશે. મેચના 6 દિવસ પહેલા બંને ટીમ મોટેરા સ્ટેડિયમ ખાતે પણ જશે. મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમના ઈનડોર અને આઉટડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. બંને ટીમ આગામી 30 દિવસ સુધી અમદાવાદમાં જ રોકાશે અને ટેસ્ટ મેચ બાદ T- 20 મેચ પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પૂરી કરીને બંને ટીમ અહીંથી રવાના થશે.
અમદાવાદમાં મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ ક્રિકેટનું આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધી 20 હજાર ટિકિટો બુક થઈ ચૂકી છે. જો કે, સામાન્ય માણસ માટે આ મેચ જોવી મોંઘુંદાટ બનશે, કારણ કે, સૌથી સસ્તી પાંચ દિવસની ટેસ્ટ જોવાની એક ટિકિટ પણ રૂ.3 હજારથી વધુ ની પડશે.
અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ જોવા જનારા પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની ટિકિટ પણ ઓનલાઈન એપથી જ બુક કરાવવી પડશે. ટુ વ્હીલર માટે રૂ.30 જ્યારે કાર માટે રૂ.100 પાર્કિંગ ચાર્જ છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને પાર્કિંગ માટે મોટેરા સ્ટેડિયમના 1થી દોઢ કિલોમીટરના વિસ્તારમાં 27 પ્લોટ નક્કી કર્યા છે. જો તમે વાહન જ્યાં ત્યાં પાર્ક કર્યું હશે તો પોલીસ ટો કરશે. મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ પર, દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગની સ્ટેડિયમ સુધીના રસ્તા પર ટ્રાફિક પોલીસના 1155 અધિકારી – કર્મચારી તહેનાત રહેશે. સ્ટેડિયમ આસપાસ ક્યાંય પણ આડેધડ પાર્ક કરશો તો પોલીસ વાહન ટો કરી જશે.
સ્ટેડિયમના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવનાર છે. ઉદઘાટન પછી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સભા માટે સ્ટેડિયમની પાછળના ભાગે હનુમાનજી મંદિર પાસે ખાસ ડોમની વ્યવસ્થા કરાઈ છે. મહાનુભાવો આવવાના હોવાથી એરપોર્ટથી સ્ટેડિયમ સુધીના રોડના પેચવર્ક, રંગરોગાન સહિતની કામગીરી પણ મ્યુનિ. દ્વારા શરૂ કરવામાં આવી છે. ગત ફેબ્રુઆરીમાં જ ટ્રમ્પના આગમન સમયે મોટેરા ફરતેના તમામ રોડ નવા બનાવવામાં આવ્યા હતા.