ઉત્તર ગુજરાતમાં સતત પાંચમાં દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
જ્યારે રાજસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમમાં પાણીનું લેવલ વધતા નીચાણવાળા વિસ્તારના અનેક ગામડાઓને એલર્ટ અપાયું છે.
રાજસ્થાન અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક થઇ છે. દાંતીવાડા ડેમમાં હાલ પાણીનું લેવલ 594 ફૂટે પહોંચ્યું છે.
આ ડેમની ભયજનક સપાટી 604 ફૂટે છે. પાણી છોડવું પડે તેવી સ્થિતિ સર્જાય તો કોઈ નુકસાન ન થાય તે માટે ડેમ અને બનાસનદીના કાંઠાના ભડથ, મોરથલ ગોળીયા, ચંદાજી ગોળીયા અને રાણપુર સહિત નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા છે.
બનાસકાંઠાના દાંતીવાડા ડેમ માં પાણીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.
પાટણ જિલ્લાના 56 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
જેમાં સરસ્વતીના 2 ગામ, રાધનપુરના 26 ગામ, સાંતલપુરના 9 ગામ, સમીના 19 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે.