ભુજ પાસે પરપ્રાંતીય શખ્સ પાસેથી ઝડપાયો એક કિલો ચરસનો જથ્થો, તપાસનો ધમધમાટ
ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળ અને ભૂમિ સીમા પરથી અવારનવાર ઘૂસણખોરો ઝડપાયા હોવાના બનાવ બનતા રહે છે, પણ હવે ફરી ચરસ જેવાં કૅફી દ્રવ્યોને ભારતમાં ઘુસાડવા માટે આ સરહદો પર ડ્રગ-માફિયાઓ સક્રિય બન્યા હોવાના સંકેત મળી રહ્યા છે.
લાંબા સમય બાદ કચ્છ પોલીસે ભુજ નજીકના માનકૂવા ખાતેથી ચરસનો અંદાજે એકાદ કિલો જેટલો જથો પકડ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ માનકૂવાથી ચરસના જથ્થા સાથે પકડાયેલા પરપ્રાંતીય શખ્સની પૂછપરછ કરી રહ્યા છે. માનકૂવા ગામ ભુજ-લખપત સ્ટેટ હાઇવે પર ભુજ નજીક આવેલું ગામ છે એને જોતાં ચરસનો આ જથ્થો કચ્છના અબડાસા કે લખપત તાલુકાના કોઈક કાંઠાળા ગામથી પાકિસ્તાની માછીમારોએ ઘુસાડ્યો હોય એવી પ્રાથમિક શંકા છે. વળી તાજેતરમાં અરબી સમુદ્રના હરામી નાળા પાસેથી એક બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી અને એમાં બેઠેલા મનાતા પાકિસ્તાની ઘૂસણખોરો ભેદી રીતે અલોપ થઈ ગયા હતા એથી આવી ઘટનાઓ દરમ્યાન ડ્રગ્સ-માફિયાઓએ કચ્છમાં ચરસનું મોટું કન્સાઇનમેન્ટ કોઈ સ્થળે ડમ્પ કર્યું છે કે નહીં એની પણ તપાસ શરૂ થઈ છે. જોકે હાલના તબક્કે સમગ્ર મામલામાં અન્ય સુરક્ષા-એજન્સીઓએ ઝંપલાવતાં આ ઘટના વિશે કોઈ માહિતી મળી શકતી નથી. દરમ્યાન આ ઘટનામાં ઝડપાયેલો પરપ્રાંતીય શખ્સ ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે.