સુરત જિલ્લાના કામરેજના જોઝા ગામના સરપંચને સુરત ACBની ટીમે 50 હજાર રૂપિયાની લાંચ લેતા આજે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોખા ગામના લાભાર્થીઓના મંજૂર થયેલા મકાનો બનાવી આપવાનું કામ આપવાના અવેજમાં 50 હજાર રૂપિયાની માગણી કરાયા બાદ ACB એ ફરિયાદના આધારે વોચ ગોઠવી સરપંચ હિતેશ જોષીને પકડી પાડ્યા હતા.
જાગૃત નાગરિકે ACBમાં ફરિયાદ કરી
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કામરેજના જોખઅગામના સરપંચ સરકારી આવાસનું કામ આપવાની અવેજમાં રૂપિયાની માગણી કરી રહ્યા છે. એટલું જ નહીં પણ અગાઉ બે વાર મળીને 51 હજાર લઈ ચુક્યા છે, ત્યાર બાદ ફરીથી 50 હજાર માગતા ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા કામગીરી હાથ ધરાઈ હતી.
જોખા ગામ ACBએ છટકું ગોઠવ્યું
આજે ACBની ટીમ કામરેજ તાલુકાના જોખા ગામના રાજપૂત ફળિયામાં રહેતા સરપંચના મકાનની આજુબાજુમાં છટકું ગોઠવીને બેઠી હતી, ત્યાર બાદ જાગૃત નાગરિક દ્વારા સરપંચ હિતેષભાઇ કાંતિલાલ જોષી(સરપંચ, જોખા ગામ, તા.કામરેજ, જિ.સુરત)એ 50 હજાર રૂપિયા સ્વીકાર્યા બાદ ACBની ટીમ ત્રાટકી હતી. એટલું જ નહીં પણ સરપંચને રંગેહાથે 50 હજાર રૂપિયા સાથે ઝડપી પાડ્યો હતો. ACBએ લાંચમાં માગવામાં આવેલી રકમ પણ કબજે લીધી હતી.
ACBએ સરપંચની અટકાયત કરી
ACBએ આરોપી સરપંચ હિતેશ જોષીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેપિંગ અધિકારી તરીકે આર.કે.સોલંકી, પીઆઇ, સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન, સુરત તથા એસીબી સ્ટાફ રહ્યો હતો. જ્યારે સુરત એસીબીના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપરવિઝનમાં એસીબીની ટીમે કામગીરી કરી હતી.