બેંગુલુરૂ તા. ૪ : કર્ણાટકના મંત્રી ડી કે શિવકુમારના ઘર અને ઓફિસ પર આઈટીના દરોડા બાદ પરેશાન કોંગ્રેસના ધારાસભ્યોએ પાછા ફરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ૪૨ કોંગ્રેસી ધારાસભ્યોની એક રિસોર્ટમાં યજમાની કરનારા મંત્રી શિવકુમાર પર તાજેતરમાં જ આઈટી વિભાગે દરોડો પાડ્યો છે.
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, મંત્રીની સાતે જ તેમના પરિવાર અને સહયોગીઓ પર આવકવેરા વિભાગના દરોડા બાદ અહીં કોંગ્રેસના ધારાસભ્યો પરેશાન થઈ ગયા છે. મંત્રીના ભાઈ તથા બેંગલુરુ ગ્રામ્યના સાંસદ ડી કે સુરેશ જોકે તેમને મનાવવાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે કે કંઈપણ ખોટું નહીં થાય. પરંતુ આ ધારાસભ્યોએ પાછા ફરવાની જીદ પકડી છે.
શિવકુમારને આઈટી અધિકારીઓ દ્વારા પૂછપરછ માટે લઈ જવાયા, તે પછી કોંગ્રેસનો કોઈપણ સીનિયર નેતા કે મંત્રી અહીં નથી પહોંચ્યા. એ કારણે કોંગ્રેસના ધારાસભ્યોનો આત્મવિશ્વાસ વધારે ડગમગી ગયો છે. કેટલાક ધારાસભ્યોએ બીમારીને કારણે ગુજરાત પાછા ફરવાની વિનંતી કરી છે અને ૩ ધારાસભ્યોને તો કથિત રીતે એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે.
તો ધાનેરા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પોતાના મતવિસ્તારમાં આવેલા પૂરને પગલે પાછા જવાની માંગ કરી છે, જેનાથી તે પીડિત લોકોની મદદ કરી શકે. કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વએ ગુજરાતથી કોઈ વરિષ્ઠ નેતાને ધારાસભ્યોનું ધ્યાન રાખવા માટે મોકલી દીધા છે. ૮ ઓગસ્ટે યોજાનારી રાજયસભા ચૂંટણીઓમાં કોઈપણ પ્રકારની ‘ગરબડ’થી બચવા માટે આ બધા ધારાસભ્યોને છેલ્લા પાંચ દિવસથી બેંગલુરુના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે