ગાંધીનગર, 17 મે 2020
ગુજરાતમાં 4 હજાર આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતાં 10 હજાર સ્ટાફ અને તબિબોને કોરોનામાં સ્વરક્ષા માટે હાથ મોજા કે કીટ આપવામાં આવી ન હોવાથી આ સ્ટાફ પોતાના ખર્ચે ખરીદીને લોકોનું કામ કરી રહી છે. તેમને સરકારે સ્વરક્ષા માટે સાધનો આપવાની અત્યંત જરૂર હોવા છતાં આપ્યા નથી. આવી ગંભીર બેદરકારી અંગે તબિબોએ સરકારનું ધ્યાન દોર્યું હોવા છતાં કંઈ થયું નથી.
11475 માનવ વસતિ સામે માત્ર એક સરકારી એમબીબીએસ તબીબની ઉપલબ્ધતા છે. ડોક્ટરોની ઉપલબ્ધતામાં ગુજરાતનો નંબર રાષ્ટ્રીય સ્તરે છેક 28મો છે, જે વિકસિત ગણાવતા ગુજરાત માટે ઘણી શરમજનક બાબત છે.
રાજ્યભરના ગામડાઓ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આરોગ્ય વિભાગનું સારવાર માટે ઉચ્ચ માળખું ગોઠવાયેલું છે જેમાં 2155 આરોગ્ય કેન્દ્રો, 362 શહેરી અને ગ્રામ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્રો, 1585 ગ્રામ્ય અને જિલ્લાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 208 કોર્પોરેશનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સહિત મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે.
જેમાં 1 મે થી 14 મે 2020 દરમ્યાન 14 લાખ દર્દીઓને ઓ.પી.ડી. સારવાર, 65 હજાર ઈન્ડોર દર્દી તરીકે સારવાર તથા 54 હજાર દર્દીઓને તાવ-શરદી જેવા રોગોની સારવાર પુરી પાડવામાં આવી છે. જેમાં તાવ અને શરદીના જેવા દર્દીઓ હતા તેમના કેસોમાં ખાસ તકેદારી રાખીને જેમને કોવીડ-19 ના લક્ષણો છે કે નહી તેની પણ ચકાસણી કરવામાં આવી છે. આમ 15 લાખ લોકોને 15 દિવસમાં આટલી સારવાર આપવામાં આવી છે. જે પણ કોરાનાના સુરક્ષાના સાધનો વગર.
49785 દર્દીઓના જરૂરીયાત મુજબ વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. તથા 4559 દર્દીઓના એક્સ-રે લીધા છે.
રોજ 2000 થી 2200 જેટલી પ્રસુતિઓ થઈ છે. જેમાં 50 % સરકારી અને 50 % ખાનગી સંસ્થાઓમાં થાય છે. નાના બાળકોને રસીકરણ કરવામાં આવી રહી છે. ટી.બી. ના દર્દીઓને પણ ટી.બી. ને લગતી દવાઓ ઘરે જઇને આરોગ્યકર્મીઓ દ્વારા પહોંચતી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં કોરોના મહામારી સામે તબીબો, પેરામેડીકલ સ્ટાફ, આશા વર્કરો સહિત હજારો આરોગ્ય કર્મીઓ પોતાના જીવના જોખમે નાગરિકોને સારવાર પુરી પાડી રહ્યા છે. ત્યારે રાજ્યના નાગરિકો પણ આ કર્મીઓને પ્રોત્સાહિત કરીને વધુને વધુ સહયોગ આપે એવી અપીલ આરોગ્ય પ્રધાન નિતીન પટેલે કરી છે.
શું છે ખરી સ્થિતી ?
ગુજરાતમાં આરોગ્ય પાછળનું માથાદીઠ ખર્ચ રૂ.270 છે. એની સામે બીજા રાજ્યો જેવા કે મિઝોરમમાં રૂ.1611, સિક્કીમમાં રૂ.1446, ગોવામાં રૂ.1149, હિમાચલપ્રદેશમાં રૂ.884, આસામમાં રૂ.471, કેરળમાં રૂ.454, છત્તીસગઢમાં રૂ.371, ઝારખંડમાં રૂ.328, ઉત્તરપ્રદેશમાં રૂ.293 જેટલું માથાદીઠ આરોગ્ય ખર્ચ છે. આર્થિક રીતે વિકસિત અને ઊંચી માથાદીઠ આવકના સંદર્ભમાં આરોગ્ય પાછળનું માથાદીઠ ખર્ચ ગુજરાતમાં ખૂબ જ ઓછું છે.
રાજ્યમાં, ‘પાથેય’ સંસ્થાના 2019ના રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ગ્રામીણ દવાખાનાઓમાં પેરા મેડિકલ સ્ટાફમાં મોટો ઘટાડો નોંધાયો છે.
‘વિકસિત’ ગણાવાતા ગુજરાતની આરોગ્ય ક્ષેત્રે શરમજનક સ્થિતિ છે. રાજ્યમાં કુલ 1474 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પીએચસી પૈકી 163 કેન્દ્રો વગર તબીબે ચાલે છે, જ્યારે કુલ 363 સામૂહિક આરોગ્ય કેન્દ્રો સીએચસીમાં માત્ર 92 તબીબો ઉપલબ્ધ છે. ધારાધોરણ મુજબ દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 1 સર્જન, 1 ગાયનેકોલોજિસ્ટ, 1 બાળરોગ નિષ્ણાત અને 1 જનરલ ફિઝિશિયન ઉપલબ્ધ હોવા જોઈએ, પરંતુ રાજ્યમાં 31મી માર્ચ, 2017ની સ્થિતિએ 363 સીએચસી ખાતે 363 સર્જનની જરૂરિયાત સામે માત્ર 27 સર્જન, 363 ગાયનેક તબીબની જરૂરિયાત સામે માત્ર 37 ગાયનેક તબીબ, 363 બાળરોગ નિષ્ણાતની જરૂરિયાત સામે માત્ર 19 નિષ્ણાતો અને 363 જનરલ ફિઝિશિયનોની જરૂરિયાત સામે માત્ર 9 ફિઝિશિયન ઉપલબ્ધ હતાં.
આવી જ રીતે 2019માં રાજ્યમાં કુલ 1474 પીએચસી પૈકી 163 પીએચસીમાં એક પણ એમબીબીએસ તબીબ નથી, જ્યારે 796 પીએચસી માત્ર એક જ તબીબથી ચાલે છે. રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યની કેવી દારૂણ સ્થિતિ છે તેનો ખ્યાલ આ આંકડા ઉપરથી મળી શકે છે. ભાજપની વિજય રૂપાણીની સરકાર નિષ્ફળ છે.