ખેડાના માતરના ત્રાજ ગામે 15 વર્ષની કિશોરીના એકતરફી પ્રેમમાં પડેલા 46 વર્ષના ઇસમે કિશોરી તાબે નહિ થતા તીક્ષ્ણ કટરથી ગળાના ભાગે ઘા મારી જાહેરમાં હત્યા નાંખી હતી.
કિશોરીનું ગળું કાપ્યા બાદ હાથના ભાગે પણ છરીના ઘા ઝીંક્યા હતા. સારવાર મળે એ પહેલાજ કિશોરીનું મોત થયું હતું.
બનાવની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન 46 વર્ષના રાજુ ઉર્ફે રાજેશ પટેલે કાગળ કાપવાના કટરથી માત્ર 15 વર્ષની કૃપા પટેલ નામની કિશોરીને ગળાના ભાગે ઘા માર્યા બાદ તેના હાથના ભાગે પણ ગંભીર ઇજા કરી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે.
આરોપી રાજુ ઉર્ફે રાજેશ પટેલની ભત્રીજી અને મૃતક કૃપા બંને બહેનપણી હોવાથી કૃપા અવાર-નવાર તેના ઘરે આવતી હતી. જે દરમિયાન સામાન્ય વાતચીત થતાં 46 વર્ષનો રાજેશ આ 15 વર્ષની કૃપાના એકતરફી પ્રેમમાં પડ્યો હતો.
બુધવારની સમી સાંજે ગામમાં મંદિરથી બહેનપણીઓ સાથે 15 વર્ષીય કૃપા દર્શન કરી પરત ઘરે આવી રહી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે આવેલી કોલ્ડ ડ્રિંક્સની દુકાને ઠંડું પીણું ખરીદવા ગઈ હતી. આ સમયે 46 વર્ષીય રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલ ત્યાં ધસી ગયો હતો અને કૃપાને ધારદાર હથિયાર વડે ગળું કાપી નાખ્યું હતુ અને હાથ પર છરીના ઘા માર્યા હતા લોહીથી લથપથ કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, દરમિયાન ત્યાં હાજર લોકોએ હત્યારા રાજુને ઝડપી પાડી માતર પોલીસના હવાલે કર્યો છે. બીજી બાજુ કૃપા પટેલને સારવાર અર્થે ખેડા ખાતેની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને સારવાર મળે એ પહેલાં જ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
હત્યારો રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલ તેની માતા સાથે રહે છે. ઉપરના માળે તેનો મોટોભાઈ રહે છે. થોડા વર્ષો અગાઉ રાજુ ઉર્ફે રાજેશ પટેલના ડિવોર્સ થઈ ગયા હતા. તેને સંતાનમાં કોઈ નથી. રાજુ ઉર્ફે રાજેશ નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.