27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબદાર છે. છેલ્લાં પાંચ વર્ષમાં ખેડૂતો હવે અનાજ ઓછુ ઉગાડી રહ્યાં છે.
અન્નદાતા હવે રોકડ તરફ ગયા છે. પાંચ વર્ષ પહેલાં 2013માં 15.56 લાખ હેક્ટરમાં અનાજ વાવવામાં આવ્યું હતું તેની સામે આ વર્ષે 9.56 લાખ હેક્ટરમાં જ વાવાણી કરી છે. જે ચોમાસુ પુરું થતાં વધીને 10 લાખ હેક્ટરથી વધે તેમ નથી. આમ 50 ટકાનો ઘટાડો અનાજના વાવેતરમાં ખેડૂતોએ કરી દીધો છે. આમ થવા પાછળના કારણો અનાજના ભાવો ખેડૂતોને મળતા નથી કારણ કે સરકાર મફત અનાજ આપી રહી છે. સરકારની આ નીતિ રહી તો ખેડૂતો અનાજ ઓછું પેદા કરશે તેથી ભાવ વધી શકે છે.
2013માં ડાંગરનું વાવેતર 8 લાખ હેક્ટર હતું જે ચાલુ વર્ષે 5 લાખ થયું છે. વધીને 6 લાખ થઈ શકે છે. આમ ડાંગરમાં પણ 25 ટકા જેવો ઘટાડો થયો છે. સરકાર હવે 2 રૂપિયા કિલો અનાજ આપી રહી છે. તેની સીધી અસર ચોખાના વાવેતર પર પડી છે. એક સમયે ગુજરાતનો મુખ્ય ખોરાક બાજરી હતી. જે 2013માં 3.44 લાખ હેક્ટરમાં હતી જે 2018-19માં 50 ટકા ઘટીને 1.52 લાખ હેક્ટર રહી ગઈ હતી. આ વર્ષે કદાચ તામાં 20 હજાર હેક્ટર ઉમેરો થઈ શકે છે. જુવારમાં પણ 50 ટકા ઘટાવો છે. મકાઈ સારી એવી ઘટી રહી છે. આમ કુલ 15.56 લાખ હેક્ટરની સામે 10 લાખ હેક્ટર વાવેતર રહ્યાં છે.
કઠોળમાં આવા જ વલણ છે. તુવેર, મગ, મઠ, અડદ જેવા કઠોળમાં વાવેતર ઓછા થઈ રહ્યાં છે. 5 લાખ હેક્ટરની સામે 4 લાખ હેક્ટર કઠોળ ખેતરમાં જોવા મળે છે. આ કોઈ ધીમો ફેરફાર નથી. આ મોટો ફેરફાર થઈ રહ્યો છે. સરકાર જો ખેડૂતોને સારા ભાવ નહીં અપાવા શકે તો ફરી એક વખત મોટા પાયે રશિયા કે અમેરિકાથી અનાજ આયાત કરવું પડ।શે. જો 5-6 વર્ષમાં આવા ફેરફારો સરકારની નીતિના કારણે આવી શકતાં હોય તો તે લાંબાગાળે ગુજરાતને ભારે મોટું નુકસાન કરી શકે છે.