દરેક ગ્રામ પંચાયતમાં સુવિધા ઉપલબ્ધ કરાવવા તડામાર તૈયારીઃ નગરપાલિકાઓને પણ આવરી લેવાશે
ગુજરાત સરકારે બજેટમાં જોગવાઇ કર્યા મુજબ ગ્રામ પંચાયત ધરાવતા તમામ ગામોના પંચાયત ઘરમાં વાઇફાઇ સુવિધા આપવાનું નકકી કર્યુ છે. તેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. પંચાયત કચેરી સિવાઇના સ્થળોએ પણ વાઇફાઇ સુવિધા મુકી લોકોને લાભ આપવાની યોજના છે.
પંચાયત વિભાગના રેકોર્ડ મુજબ ગુજરાતમાં ર૪૭ તાલુકા પંચાયતો અને ૧૮પ૮૪ ગામડાઓ તથા ૧૪ર૬પ ગ્રામ પંચાયતો (અમુક ગામોમાં સંયુકત પંચાયત) છે. પંચાયત ધરાવતા તમામ ગામોને વાઇફાઇ સુવિધા અપાશે. ઉપરાંત નગરપાલિકાઓને પણ વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવાની સરકારની યોજના છે. એક સ્થળે મુકાયેલી વાઇફાઇ સુવિધાનું કાર્યક્ષેત્ર ૩૦ થી ૪૦ મીટર સુધીનું (કવરેજ એરિયા) રહેશે. પંચાયત સિવાઇ ગામની અન્ય સાર્વજનીક જગ્યાએ પણ વાઇફાઇ સુવિધા આપવા માટે સરકાર આગળ વધી રહી છે. લોકો સમય, શકિતના બચાવ માટે તેમજ કામગીરીની સરળતા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે તેવો સરકારનો હેતુ છે.