અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ગુજરાતમાં આજે 15 મે, 2021 શુક્રવારના રોજ 9061 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સતત બીજા દિવસે નવા કોરોના કેસની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,44,409 લાખ થઇ ગઇ છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 15076 દર્દીઓ સાજા થયા છે જે નવો રેકોર્ડ છે. આમ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત નવા દર્દી કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,24,107 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 83.84 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 95 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 9039 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 111263 થઇ છે અને જેમાંથી હાલમાં 791 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે કુલ 31,301 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે માત્ર 18થી 44 વર્ષ સુધીના 31,301 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે.
આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,47,83,212 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.