કોરોના દિનપ્રતિદિન પોતાના રેકોર્ડ તોડી રહ્યો છે અને લોકો ઓક્સિજન માટે વલખાં મારી રહ્યાં છે ત્યારે એક તરફ દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઝારખંડ જેવી ભાજપ વિરોધી સરકારો પોતાના રાજ્યોમાં લોકડાઉન કરી રહી છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે રાખવા તાકીદ કરી છે. આથી ગુજરાત સહિતનાં ભાજપ શાસિત રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવી રહ્યું નથી. પરંતુ હાલ ગુજરાતમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળવાના તથા ઓક્સિજનના ફાંફા પડી રહ્યા છે ત્યારે હવે ભાજપના જ ધારાસભ્યો રાજ્યમાં લોકડાઉન લગાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
OSD વિનોદ રાવના સી કેટેગરીની 164 હોસ્પિટલોમાં નવા ઓક્સિજનની જરૂરીયાતવાળા નવા દર્દીઓ દાખલ નહીં કરવાના નિર્ણયને ભાજપના જ ધારાસભ્ય કેતન ઇનામદાર અને દ્રભાવતી (ડભોઇ) ના ધારાસભ્ય શૈલષ મહેતા (સોટ્ટા)એ કોરોના સંક્રમણની ચેઇન તોડવા ગુજરાતમાં પણ કડક લોકડાઉનની માંગણી કરી છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને ઓકિસજન આપવા પણ તેમણે રજુઆત કરી હતી.
આ સાથે શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક અસરથી લોકડાઉન લગાવવામાં આવવું જોઈએ અને આ માટે અમે મુખ્યમંત્રીને પણ રજુઆત કરી છે અને કલેક્ટર સાથેની મિટિંગમાં પણ અમે રજૂઆત કરીશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરીયાતવાળાઓને દાખલ નહીં કરવાની જે વાત છે. તેમાં અમે માંગણી કરવાના છીએ કે, વડોદરા જિલ્લામાં સંક્રમણ વધ્યું છે. સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ વણસી છે, ત્યારે તમામ જગ્યાએ ઓક્સિજન સાથેની હોસ્પિટલો ચાલુ રહેવી જોઇએ.