ગુજરાતના ઇતિહાસમાં સૌથી કપરાં સમયમાંથી પસાર થઇ રહેલી કોંગ્રેસને મજબૂત કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને સોંપાઇ છે. ત્યારે આજે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળશે. સવારે 10 વાગ્યે કોંગ્રેસ ભવન ખાતે શક્તિસિંહ ગોહિલનો શપથગ્રહણ સમારોહ યોજાશે.
તેઓ આજે કોંગ્રેસના કાર્યકરો અને તેમના સમર્થકો સાથે ગાંધી આશ્રમથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધીની પદયાત્રા કરશે અને ત્યાર બાદ વિધિવત રીતે કાર્યભાર સંભાળશે. આ પદયાત્રામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા 9 જૂનના રોજ શક્તિસિંહ ગોહિલની પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવ્યા બાદ આજે સત્તાવાર રીતે પદભાર સંભાળશે
રાજ્યમાં આગામી સમયમાં આવી રહેલી 70 થી વધુ નગરપાલિકાઓ અને 2 જિલ્લા પંચાયતની ચૂંટણીની વ્યૂહરચના શક્તિસિંહ ગોહિલ માટે પહેલી કસોટી હશે.
મહત્વનું છે કે 2022 વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને સૌથી ઓછી 17 બેઠકો મળી હતી જે ગુમાવેલી બેઠકો ઉપર ફરી પંજાની પકડ મજબૂત કરવા શક્તિસિંહ ગોહિલનો ટાસ્ક રહેશે.