રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વની જાહેરાત કરી છે. રાજ્યમાં દિવાળી બાદ તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ કરાશે. દિવાળી બાદ 23 નવેમ્બરથી રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરાશે. 23 નવેમ્બરથી ધો.9થી 12ના વર્ગો શરૂ કરાશે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખોલવામાં આવશે. કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે વર્ગો શરૂ થશે. સ્નાતક કક્ષાએ માત્ર ફાઇનલ વર્ષના ક્લાસ શરૂ કરવામાં આવશે. ભારત સરકારની SOP મુજબ રાજ્યમાં શાળાઓ શરૂ કરવામાં આવશે. કોલેજોમાં પણ શિક્ષણકાર્ય શરૂ કરી દેવાશે.
ITI, પોલિટેકનિક કોલેજ પણ 23 નવેમ્બરથી ચાલુ કરવામાં આવશે. કોલેજ-યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ-પેરામેડિકલ કોલેજો શરૂ કરાશે. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહીં ગણાય. એ માટે વાલીઓની સહમતિ સંસ્થાઓએ મેળવવાની રહેશે. સ્કૂલો-કોલેજોમાં સાબુથી હાથ ધોવાની વ્યવસ્થા તેમજ સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા શાળાના આચાર્યએ કરવાની રહેશે. દરેક વિદ્યાર્થીઓને તેમના વાલીની સંમત્તિ માટેનું ફોર્મ આપવાનું રહેશે.
શાળા-કોલેજમાં આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા, વાલીની લેખિત સંમત્તિ સંસ્થાઓએ મેળવવાની રહેશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસની શાળાઓને આ જ SOP લાગુ થશે. આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં 9થી 12ની શાળાઓ તેમજ પેરામેડિકલ વર્ગો શરૂ થશે. બાકીના વર્ગોનું શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે સરકાર પછીથી જાહેરાત કરશે.